Sunday - Oct 18, 2026

મોરબીના સિરામિક કારખાનેદાર સાથે ₹44.74 લાખની ઠગાઈ

મોરબીના સિરામિક કારખાનેદાર સાથે ₹44.74 લાખની ઠગાઈ

45 દિવસની ક્રેડિટ પર 7,865 બોક્સ ટાઇલ્સ મંગાવ્યા બાદ મુંબઈના શખ્સનો મોબાઈલ બંધ, તાલુકા પોલીસમાં ફરિયાદ

મોરબી : મોરબીના જેતપર રોડ પર આવેલા સિરામિક કારખાનામાંથી 45 દિવસની ક્રેડિટ પર 7,865 બોક્સ ટાઇલ્સનો ઓર્ડર આપીને માલ મંગાવ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યા વિના મોબાઈલ ફોન બંધ કરી દેવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં કુલ રૂ.44,74,985ની રકમની ઠગાઈ થઈ હોવાનો આક્ષેપ કરી કારખાનેદારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુંબઈના શખ્સ સામે ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના લીલાપર ગામે રામજી મંદિરની પાછળ રહેતા ભરતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા (ઉં.વ.38)નું જેતપર રોડ પર વેલેંજા ગ્રેનેટો એલએલપી નામનું સિરામિક કારખાનું આવેલું છે. તેમની ફરિયાદ મુજબ, તા. 27 એપ્રિલ 2026થી તા. 16 ઓક્ટોબર 2026 દરમિયાન મુંબઈમાં રહેતા રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખરે મોબાઈલ ફોન મારફતે અલગ અલગ પ્રકારની ટાઇલ્સના કુલ 7,865 બોક્સનો ઓર્ડર આપ્યો હતો. આ માલના પેમેન્ટ માટે 45 દિવસની ક્રેડિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓર્ડર મળ્યા બાદ કારખાનેદારે રાજશક્તિ ટ્રાન્સપોર્ટ મારફતે પાંચ અલગ અલગ ગાડીઓમાં ટાઇલ્સનો જથ્થો ભરીને મોકલી આપ્યો હતો. જોકે, માલ પહોંચ્યા બાદ ઓર્ડર આપનાર શખ્સે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. ટાઇલ્સના કુલ રૂ.44,74,985નું પેમેન્ટ ન મળતાં કારખાનેદારને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. આ મામલે ભરતભાઈ છત્રોલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા અને સમગ્ર પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.