Saturday - Oct 17, 2026

મોરબીના માનસરથી નારણકા સુધી મચ્છુ નદીમાં બેફામ રેતી ખનન બંધ કરાવવાની માંગ

મોરબીના માનસરથી નારણકા સુધી મચ્છુ નદીમાં બેફામ રેતી ખનન બંધ કરાવવાની માંગ

હિટાચી મશીનથી રેતી ખનનથી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન, ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી સર્જાતી હોવાની સરપંચની રજુઆત

મોરબી : મોરબી તાલુકાના માનસરથી બનાળિયા તેમજ માનસરથી નારણકા તરફ મચ્છુ નદીમાં હિટાચી મશીનની મદદથી રેતીનું ખનન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્રભાઈ પી. હરિયાએ ખનિજ વિભાગને રજૂઆત કરી છે. નદીમાંથી થતી ખનિજ ચોરી તાત્કાલિક બંધ કરાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

માનસર ગ્રામ પંચાયત દ્વારા 16 ઓક્ટોબર, 2026ના રોજ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, મચ્છુ નદીમાં મશીનથી રેતીનું ખનન થવાથી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાની આશંકા છે. આ ઉપરાંત, નદીમાંથી રેતીના ખનનને કારણે ખારાશનું પ્રમાણ વધતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ખારાશ વધવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડે છે અને ખેતીની જમીન બિનઉપજાઉ બનવાની સમસ્યા ઊભી થાય છે. આ સ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક હોવાથી ગેરકાયદે ખનન સામે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી હોવાનું સરપંચે જણાવ્યું છે. માનસર ગ્રામ પંચાયતના સરપંચે ખનિજ વિભાગને મચ્છુ નદીમાં થતી ખનિજ ચોરી તાત્કાલિક બંધ કરાવવા અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ રજૂઆતની નકલ મોરબી જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.