નિર્શિવ ફાઉન્ડેશનની પહેલ : ત્વચાના વિજ્ઞાન, કેમિકલયુક્ત ઉત્પાદનોની આડઅસરો અને કુદરતી રંગના મહત્ત્વ અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન
મોરબી : સોશિયલ મીડિયા અને જાહેરાતોના પ્રભાવ હેઠળ સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ અંગે વધતી ગેરસમજ વચ્ચે મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ‘ત્વચાનું વિજ્ઞાન, આપણી ગેરસમજ : જાહેરાતો પાછળ છુપાયેલા કેમિકલ્સની વાસ્તવિકતા’ વિષય પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સભાગૃહમાં યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓને ત્વચાની વૈજ્ઞાનિક સમજ, કોસ્મેટિક્સના ઉપયોગમાં રાખવાની સાવચેતી અને ભ્રામક જાહેરાતોથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં મોરબીનાં ત્વચારોગ નિષ્ણાત ડૉ. વૈશાલી સરડવાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ત્વચાની સંભાળ અને સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બજારમાં ત્વચાને તાત્કાલિક ચમકદાર બનાવવાના કે ગોરા રંગનો દાવો કરતા ઉત્પાદનોનો ઉપયોગ કરતાં પહેલાં તેની સામગ્રી અને સલામતી અંગે જાણકારી મેળવવી જરૂરી છે. કેટલાક ઉત્પાદનોમાં પારો, સ્ટીરોઈડ્સ અથવા અન્ય હાનિકારક રસાયણો હોઈ શકે છે, જેનો અયોગ્ય ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી માત્ર જાહેરાતો કે આકર્ષક પેકેજિંગથી પ્રભાવિત થઈને ઉત્પાદનો પસંદ કરવાને બદલે સાવચેતી રાખવી જોઈએ.
નિર્શિવ ફાઉન્ડેશનનાં સ્થાપક આરતી રોહને પણ વિદ્યાર્થીનીઓને ત્વચાના કુદરતી રંગ અંગેની ગેરસમજ દૂર કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે ઘઉંવર્ણો કે ઘાટો રંગ કોઈ ખામી નથી. ત્વચામાં રહેલું મેલેનિન રંગ નક્કી કરવાની સાથે સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવામાં પણ ભૂમિકા ભજવે છે. ત્વચાનો રંગ બદલવા માટે બ્લીચિંગ અથવા અજાણ્યાં કેમિકલયુક્ત ઉત્પાદનોનો અનિયંત્રિત ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.
સેમિનારમાં ‘હર્બલ’ અને ‘નેચરલ’ જેવા દાવા કરતા ઉત્પાદનોની પસંદગી કરતી વખતે પણ સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉત્પાદનોના ઘટકો, ઉપયોગની સૂચનાઓ, એક્સપાયરી તારીખ અને ખોલ્યા પછી કેટલા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય તેની માહિતી તપાસવાની સમજ આપવામાં આવી હતી. આ સાથે જાહેરાતોમાં કરાયેલા દાવાઓને વૈજ્ઞાનિક સત્ય માની લેવાને બદલે તથ્યોના આધારે નિર્ણય લેવા પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓએ ત્વચાની સંભાળ અને કોસ્મેટિક્સના ઉપયોગ અંગે પ્રશ્નો પૂછ્યા હતા, જેના ડૉ. વૈશાલી સરડવાએ જવાબ આપીને તેમની મૂંઝવણ દૂર કરી હતી. નિર્શિવ ફાઉન્ડેશનનાં સ્થાપક આરતી રોહન દ્વારા ડૉ. વૈશાલી સરડવાનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ માટે આ સેમિનાર ત્વચાના સ્વાસ્થ્ય અંગે વૈજ્ઞાનિક સમજ કેળવવા અને સૌંદર્ય પ્રસાધનોની પસંદગીમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ બન્યો હતો.