Saturday - Oct 17, 2026

મોરબીની 34 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં 180 બાળાઓના અદભુત અંગારા રાસથી સર્જાયું અલૌકિક વાતાવરણ

મોરબીની 34 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં 180 બાળાઓના અદભુત અંગારા રાસથી સર્જાયું અલૌકિક વાતાવરણ

ફિલ્મી ગીતોને બદલે પ્રાચીન રાસ અને માતાજીની ભક્તિનો મહિમા ; બાળાઓમાં સંસ્કારોનું સિંચન કરતી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબી

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળમાં સતત 34મા વર્ષે પ્રાચીન ગરબીનું આયોજન કરીને ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવામાં આવી રહી છે. આધુનિકતાના યુગમાં પણ અહીં હિન્દી ફિલ્મી ગીતોને બદલે માતાજીના ગુણગાન, પરંપરાગત રાસ અને ભક્તિને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ વર્ષે અંદાજે 180 બાળાઓ વિવિધ રાસની પ્રસ્તુતિ આપી રહી છે, જેમાં અંગારા રાસની રજૂઆત દરમિયાન ભક્તિમય અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. ઉપરાંત મોગલમાના રાસ, હિંડોળી રાસ સહિતની વિવિધ પ્રસ્તુતિઓમાં બાળાઓ અભિનય, કલા અને ભક્તિનો સુંદર સમન્વય રજૂ કરે છે. આ પ્રાચીન રાસ નિહાળવા ચાચર ચોકમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડે છે અને સમગ્ર માહોલ માતાજીની આરાધનાથી ગુંજી ઊઠે છે. આયોજકોનો હેતુ માત્ર ગરબી રમાડવાનો નહીં, પરંતુ બાળાઓને ગુજરાતી સંસ્કૃતિનાં મૂળ સાથે જોડીને તેમનામાં સંસ્કારોનું સિંચન કરવાનો પણ છે. ગયા વર્ષે લગભગ 300 બાળાઓએ ભાગ લીધો હતો, પરંતુ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને આ વર્ષે 180 બાળાઓને સામેલ કરવામાં આવી છે. દર વર્ષે નવા રાસ ઉમેરવાના પ્રયાસના ભાગરૂપે આ વખતે પણ વિવિધ વિશેષ પ્રસ્તુતિઓ તૈયાર કરવામાં આવી છે. અંગારા રાસ માટે બાળાઓએ સતત 15 દિવસ સુધી દરરોજ સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધી મહેનત કરીને તાલીમ મેળવી છે. રાસની પ્રેક્ટિસ કરાવનાર સહિતના કાર્યકર્તાઓ બાળાઓની વેશભૂષા, અભિનય અને પ્રસ્તુતિની સાથે તેમની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખે છે. અંગારા રાસ દરમિયાન કોઈ બાળાને ઇજા ન થાય કે ગરમીથી દાઝી ન જાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવે છે. આ ગરબીમાં મોરબીના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરતા વાણિયાણ અને રાજાના રાસમાં લાઇવ ઘોડા સાથે રાજાની એન્ટ્રી જેવી વિશેષ રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી મોમાઈ માતાના રાસમાં લાઇવ ઊંટ સાથે માતાજીની એન્ટ્રી કરાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દાતાઓ તરફથી મળતી પ્રોત્સાહક લહાણી અને આયોજકોના સહકારથી બાળાઓનો ઉત્સાહ વધે છે, જ્યારે વાલીઓ પણ આ પરંપરા સાથે જોડાયેલા રહે છે. બાળાઓ માટે આ ગરબી માત્ર નવરાત્રિની ઉજવણી નથી, પરંતુ માતાજીની ભક્તિ, સામૂહિક એકતા અને સંસ્કૃતિના સંવર્ધન સાથે જોડાવાની તક છે. આ રીતે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં રાસની રમઝટ સાથે ભક્તિ, પરંપરા અને સંસ્કારોનું અલૌકિક વાતાવરણ અનુભવવા મળે છે.

પ્રાચીન ગરબીમાં ભક્તિ અને સંસ્કારોનું સિંચન

મોરબીની 34 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં 180 બાળાઓના અદભુત અંગારા રાસથી સર્જાયું અલૌકિક વાતાવરણ

ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળનું આ 34મું વર્ષ છે અને અમારો મુખ્ય હેતુ આધુનિક યુગમાં પણ પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખવાનો છે. હિન્દી ફિલ્મી ગીતોને બદલે અહીં માતાજીના ગુણગાન અને પરંપરાગત રાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ વર્ષે 180 બાળાઓ ભાગ લઈ રહી છે, જ્યારે ગયા વર્ષે લગભગ 300 બાળાઓ જોડાઈ હતી. વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવા આ વર્ષે બાળાઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. અંગારા રાસ માટે બાળાઓએ સતત 15 દિવસ સુધી દરરોજ સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધી મહેનત કરી છે. બાળાઓમાં સંસ્કારોનું સિંચન થાય અને તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે એ જ અમારી ટીમનો મુખ્ય ઉદ્દેશ છે.

અમિત ડઢાણીયા, (આયોજક)

મોરબીની 34 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં 180 બાળાઓના અદભુત અંગારા રાસથી સર્જાયું અલૌકિક વાતાવરણ

રાસમાં ભક્તિની સાથે મોરબીનો ઇતિહાસને આવરી લેવાયો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પણ પ્રાચીન ગરબીની પરંપરા જળવાઈ રહી છે એ ગૌરવની વાત છે. અહીં એવા પરંપરાગત રાસ રજૂ કરવામાં આવે છે, જે ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. મોરબીના ઇતિહાસને ઉજાગર કરતા વાણિયાણ અને રાજાના રાસમાં લાઇવ ઘોડા સાથે રાજાની એન્ટ્રી કરાવવામાં આવી છે. આગામી મોમાઈ માતાના રાસમાં લાઇવ ઊંટ સાથે માતાજીની એન્ટ્રી કરાવવાનું આયોજન છે. અંગારા રાસ માટે બાળાઓને 15 દિવસથી સતત પ્રેક્ટિસ કરાવવામાં આવી છે. રાસની તાલીમ દરમિયાન બાળાઓને ઇજા ન થાય કે દાઝી ન જાય તે માટે તેમની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

-મૈત્રી મેરજા, રાસ પ્રેક્ટિસ કરાવનાર

મોરબીની 34 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં 180 બાળાઓના અદભુત અંગારા રાસથી સર્જાયું અલૌકિક વાતાવરણ

પ્રાચીન ગરબીમાં ભક્તિ સાથે સંસ્કૃતિનો સમન્વય

હું છેલ્લા ત્રણ વર્ષથી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં ભાગ લઉં છું અને અહીંની પરંપરા અન્ય ગરબી મંડળોથી અલગ છે. અહીં હિન્દી ફિલ્મી ગીતો વગાડવાને બદલે પ્રાચીન રાસ અને માતાજીની આરાધનાને મહત્વ આપવામાં આવે છે. આ વર્ષે અમે 16 બાળાઓએ સાથે મળીને અંગારા રાસની પ્રસ્તુતિ આપી હતી. આ રાસ માટે સતત પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી અને અમારી સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મોમાઈ માતાના રાસ, અંગારા રાસ અને સળગતી હિંડોળી જેવી પ્રસ્તુતિઓ અહીં જોવા મળે છે. અહીં તમામ બાળાઓ સાથે મળીને પ્રેક્ટિસ કરીએ છીએ અને આપણી સંસ્કૃતિ તથા પરંપરા સાથે જોડાયેલા રહેવાની તક મળે છે.

-પ્રિયાશીબા કીરીટીસિંહ જાડેજા (અંગારા રાસ રજૂ કરનાર બાળા)

મોરબીની 34 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં 180 બાળાઓના અદભુત અંગારા રાસથી સર્જાયું અલૌકિક વાતાવરણ