Sunday - Oct 25, 2026

મોરબીના કારખાનામાં સીડી પરથી પટકાતાં 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવમાં ઝેરી દવા પીધેલી 19 વર્ષની યુવતીએ જીવ ગુમાવ્યો

મોરબીના કારખાનામાં સીડી પરથી પટકાતાં 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવમાં ઝેરી દવા પીધેલી 19 વર્ષની યુવતીએ જીવ ગુમાવ્યો

મોરબી : મોરબી અને હળવદ પંથકમાં બનેલા બે અલગ-અલગ બનાવોમાં ચાર વર્ષની બાળકી સહિત બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલા કારખાનાના લેબર ક્વાર્ટરમાં પહેલા માળની સીડી પરથી નીચે પટકાતાં ચાર વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બીજી ઘટનામાં હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં વાડીએ મજૂરી કામ કરતી 19 વર્ષની યુવતીએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને બનાવ અંગે સંબંધિત પોલીસ મથકોમાં જાણ કરવામાં આવતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલા શિવ શક્તિ ઓટો પેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અજયભાઈ ખરાડી મજૂરી કામ કરે છે. તેમની ચાર વર્ષની પુત્રી વિધિ કારખાનાના લેબર ક્વાર્ટરમાં પહેલા માળે રૂમ પાસે આવેલી સીડી પરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં બાળકીના માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, તબીબોની સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં, મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલ હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં મહાવીરસિંહ જસવંતસિંહની વાડીએ રહી મજૂરી કામ કરતી 19 વર્ષીય અનિતાબેન તુલસીભાઈએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકનાં પિતા રમેશભાઈ ડૂભીલ (ઉં.વ. 50), હાલ વેગડવાવ ખાતે રહેતા, દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.