લાભાર્થીઓને આર્થિક સહાય ન મળતાં બાળકોનાં દિવાળીમાં કપડાં, ફટાકડા અને મીઠાઈની આશા પર પાણી ફરી વળવાની ભીતિ
મોરબી : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોરબી જિલ્લાના વિધવા બહેનોના છેલ્લા ત્રણ મહિનાના પેન્શન અટકી ગયાં હોવાની રજૂઆત કરવામાં આવી છે. નિયમિત મળતી આર્થિક સહાય બંધ થતાં નિરાધાર મહિલાઓ માટે ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે. તહેવાર નિમિત્તે પોતાનાં બાળકોને નવાં કપડાં પહેરાવવા અને મીઠાઈ અપાવવાની આશા રાખતી માતાઓ સામે આર્થિક સંકટ ઊભું થયું છે, જેના કારણે દિવાળીના ઉમંગ વચ્ચે તેમના પરિવારો ચિંતિત થઈ ગયા છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ રાણેવાડિયા, મુશાભાઈ બ્લોચ સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. પેન્શન પર નિર્ભર મહિલાઓ રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહી હોવાનું જણાવી, બાકી રહેલી સહાય વહેલી તકે ચૂકવવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં ભારપૂર્વક જણાવાયું છે કે દિવાળી પહેલાં પેન્શનની રકમ જમા થાય તો વિધવા બહેનો પોતાનાં બાળકો માટે કપડાં, મીઠાઈ સહિતની ચીજવસ્તુઓ ખરીદી શકે અને તહેવાર ઉજવી શકે. આર્થિક રીતે નબળા પરિવારોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તથા ત્રણ મહિનાથી અટકેલી સહાયનું ચૂકવણું કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. અન્યથા તહેવારના સમયે સહાયથી વંચિત પરિવારો માટે દિવાળીનો આનંદ પણ મુશ્કેલીઓ વચ્ચે ઝાંખો પડી શકે છે.