અગાઉ 12 વર્ષની બાળકીનું થયું હતું મૃત્યુ
મોરબી : મોરબીના નવલખી રોડ પર ખેવારીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ગત 20 ઓક્ટોબરના રોજ ઝેરી દવા પીવાના બનાવમાં સારવાર હેઠળ રહેલી 10 વર્ષની બાળકીનું પણ કરુણ મોત નીપજ્યું છે. આ જ બનાવમાં અગાઉ 12 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. આમ, એક જ વાડીમાં ઝેરી દવા પીવાના બનાવમાં બંનેનાં મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ પર ખેવારીયા ગામની સીમમાં નારણકા ગામ તરફ જવાના રસ્તે ભરતભાઈ કાનજીભાઈની વાડી આવેલી છે. આ વાડીમાં રહેતા રંગેશભાઈ મેડાની 10 વર્ષની પુત્રી સોહાના તથા મેરેસિંગભાઈની 12 વર્ષની પુત્રી આશાબેન ગત 20 ઓક્ટોબરના રોજ ઝેરી દવા પી ગયાં હતાં. બંને બાળકીની તબિયત લથડતાં તેમને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન 12 વર્ષની આશાબેનનું અગાઉ મોત નીપજ્યું હતું, જ્યારે 10 વર્ષની સોહાનાની સારવાર ચાલુ હતી. દરમિયાન સોહાનાનું પણ સારવારમાં મોત થતાં આ બનાવમાં બંને બાળકીએ જીવ ગુમાવ્યો છે. આ અંગે હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેએ કયા સંજોગોમાં ઝેરી દવા પીધી હતી તે અંગેની વિગતો સ્પષ્ટ થઈ નથી.