Sunday - Oct 25, 2026

મોરબી સિવિલ હોસ્પિટલમાં કથળેલી સેવાઓની ફરિયાદો વચ્ચે 1 વર્ષના બાળકને નવજીવન

મોરબી સિવિલ હોસ્પિટલમાં કથળેલી સેવાઓની ફરિયાદો વચ્ચે  1 વર્ષના બાળકને નવજીવન

ગંભીર બીમારીથી પીડાતા નિકુંજની 15 દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો, 5 દિવસ બાદ વેન્ટિલેટર સપોર્ટમાંથી બહાર આવ્યો

મોરબી : જિલ્લા કક્ષાની સૌથી મોટી મોરબી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી કથળેલી આરોગ્ય સેવાઓને લઈને ગરીબ દર્દીઓમાં અસંતોષ અને ફરિયાદો સામે આવતી રહી છે. સરકારી હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ બનવાને બદલે અભિશાપરૂપ બની રહી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે અહીં સારવારથી એક વર્ષના બાળકને નવજીવન મળ્યાનો કિસ્સો આશાનું કિરણ બનીને સામે આવ્યો છે. ગંભીર બીમારીથી પીડાતા મોરબીના નિકુંજ નામના બાળકની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર કરવામાં આવી હતી. પાંચ દિવસ વેન્ટિલેટર સપોર્ટ પર રહ્યા બાદ બાળકની તબિયતમાં સુધારો થયો હતો અને સારવાર પૂર્ણ થતાં તેને રજા આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના મનોજભાઈના એક વર્ષના પુત્ર નિકુંજને ગંભીર તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં અચાનક ભારે તકલીફ ઊભી થતાં ગત તા. 4 ઓક્ટોબર, 2026ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબી તપાસ દરમિયાન બાળક ‘એક્યુટ એન્કેફાલીટીસ સિન્ડ્રોમ’ નામની ગંભીર સ્થિતિથી પીડાતો હોવાનું સામે આવ્યું હતું. બાળકની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક બાયપેપ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. શ્વાસ લેવામાં પડતી તકલીફને પહોંચી વળવા જરૂરી ઇન્જેક્શન અને નસ મારફતે પ્રવાહી આપવાની સારવાર શરૂ કરવામાં આવી હતી.

તબીબોની દેખરેખ હેઠળ સારવાર દરમિયાન પાંચ દિવસ બાદ બાળક વેન્ટિલેટર સપોર્ટમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ ઇન્જેક્શનનો 14 દિવસનો કોર્સ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ નિકુંજની તબિયતમાં સુધારો થતાં તા. 19 ઓક્ટોબરના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળતાં પરિવારે રાહત અનુભવી હતી.

એક તરફ સિવિલ હોસ્પિટલની સેવાઓ અંગે દર્દીઓની ફરિયાદો યથાવત છે, ત્યારે બીજી તરફ ગંભીર બીમારીમાં સમયસર સારવાર મળવાથી બાળક સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યું હોવાનો આ કિસ્સો સરકારી આરોગ્ય વ્યવસ્થામાં જરૂરી સુવિધાઓ અને યોગ્ય સારવારનું મહત્ત્વ દર્શાવે છે. આવી સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાહતરૂપ બની શકે છે.