રોકડ રૂ. 1.75 લાખ અને 6 મોબાઈલ ફોન સહિત રૂ. 2.70 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામે બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ દરોડા દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,70,400નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રંગપર ગામની સીમમાં જનકસિંહ કસરૂભા ઝાલાના કબજા ભોગવટાવાળા બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં બહારથી માણસોને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા જનકસિંહ કસરૂભા ઝાલા, મુકેશભાઈ બચુભાઈ દેસાઈ, મગનભાઈ ભુદરભાઈ લોરીયા, રમેશભાઈ છગનભાઈ કાલરીયા, શંકરભાઈ અંબારામભાઈ દેત્રોજા અને ધીરૂભાઈ પ્રભુભાઈ કૈલાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 1,75,400 તથા રૂ. 95,000ની કિંમતના છ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,70,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે તમામ છ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.