માળિયામાં 124.56% સૌથી વધુ તો ટંકારામાં માત્ર 72.53% વરસાદ
(RB ન્યુઝ એનાલિસિસ, રવિ બરાસરા) : કાયમ ઓછા વરસાદ અને પાણીની અછતની ચિંતા વચ્ચે રહેતા માળિયા મિયાણા તાલુકામાં ચાલુ વર્ષે મેઘરાજાની મહેરથી વરસાદની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદની પેટર્ન એટલી બધી વિચિત્ર રહી છે કે, વર્ષોથી ભૌગોલિક સ્થિતિ કે ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદમાં હમેશા પાછળ રહેતો તાલુકો માળીયા મેઘમહેરથી જિલ્લામાં અગ્રક્રમે આવી ગયો છે. જ્યારે વર્ષોથી જિલ્લામાં સૌથી વધુ અને અતિવૃષ્ટિ ધરાવતો ટંકારા તાલુકો આ વર્ષે વરસાદમાં પાછળ રહી ગયો છે. આ વિસ્મયકારક ઘટના ગણી શકાય એમ છે. માળિયામાં 639 મીમી એટલે કે 25.16 ઇંચ વરસાદ સાથે જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. લાંબા ગાળાની સરેરાશની સરખામણીએ માળિયામાં 124.56 ટકા વરસાદ થયો છે. બીજી તરફ, વર્ષોથી સારા વરસાદ માટે જાણીતા ટંકારા તાલુકામાં માત્ર 491 મીમી એટલે કે 19.33 ઇંચ વરસાદ નોંધાતાં તે જિલ્લામાં સૌથી પાછળ ધકેલાયો છે. મોરબી તાલુકામાં 677 મીમી, વાંકાનેરમાં 584 મીમી અને હળવદમાં 558 મીમી વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ 589.80 મીમી એટલે કે 23.22 ઇંચ વરસાદ સાથે મોસમી સરેરાશના 100.41 ટકા વરસાદ નોંધાયો છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અપેક્ષા મુજબ ન થતાં ખેતી અને જળસંગ્રહ અંગે ચિંતા ઊભી થઈ હતી. જોકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદના રાઉન્ડથી વરસાદનું ચિત્ર બદલાયું હતું. બીજી તરફ, ટંકારામાં સરેરાશના માત્ર 72.53 ટકા વરસાદથી રવીપાકની સ્થિતિ ખરાબ થઈ શકે એમ છે.મોરબી જિલ્લામાં વરસાદ 100 ટકાને પાર થયો હોવા વરસાદની સરેરાશ સ્થિતિ મુજબ 24 ટકા ઘટ ગણાય છે અને 100 ટકાથી વધુ વરસાદને કારણે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં મોખરે રહ્યો છે.
આગળ રહેલું ટંકારા આ વખતે પાછળ ધકેલાયું
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકો સારા વરસાદ માટે જાણીતો રહ્યો છે અને અગાઉના 2017થી ગયા વર્ષ સુધી વરસાદમાં ટંકારા તાલુકો સૌથી વધુ વરસાદમાં સમગ્ર મોરબી જિલ્લામાં મોખરે રહ્યો હતો. પણ આ વખતે વરસાદ માટે કાયમ પછાત ગણાતા માળીયા પર મેઘરાજા મહેરબાન થઈને વરસાદની વર્ષોની અછતનું લેબલ ભૂંસી નાખ્યું છે. જોકે, ચાલુ વર્ષે ટંકારામાં 491 મીમી એટલે કે 19.33 ઇંચ વરસાદ નોંધાતાં તે પાંચ તાલુકામાં સૌથી પાછળ રહ્યો છે. તેની સામે માળિયામાં 639 મીમી એટલે કે 25.16 ઇંચ વરસાદ નોંધાયો છે. માળિયાની સામાન્ય સરેરાશ 513 મીમીની સામે આ વખતે 124.56 ટકા વરસાદ થયો છે. એટલે કે જે પંથકમાં પાણીની અછત અને ઓછા વરસાદની ચિંતા વધુ રહેતી હતી તે આ વર્ષે વરસાદની દૃષ્ટિએ જિલ્લામાં પ્રથમ સ્થાને આવ્યું છે. ટંકારામાં સામાન્ય સરેરાશ 677 મીમીની સામે માત્ર 72.53 ટકા વરસાદ નોંધાયો છે. આ તફાવત દર્શાવે છે કે એક જ જિલ્લામાં તાલુકાવાર વરસાદની પેટર્ન કેટલી અલગ હોઈ શકે છે.
અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માંગ
ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતાં ખેતી માટે ચિંતા ઊભી થઈ હતી, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વરસાદી તબક્કાઓએ પરિસ્થિતિમાં પાણીની સ્થિતિમાં સુધારો કર્યો હતો. ખાસ કરીને 1 ઓગસ્ટ, 21 ઓગસ્ટના રોજ પડેલા ભારે વરસાદથી મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ ડેમ ભરાયને એટલી હદે ઓવરફ્લો થયો હતો કે 16 દરવાજા ખોલીને આવો જ બીજો ડેમ ભરાય એટલું પાણી નદી મારફતે દરિયામાં વહાવી દેવાયું હતું. આમ ત્રણ તબબકાના ભારે વરસાદ છતાં ખરીફ પાકને ફાયદો થયો ન હતો અને મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોએ માંગ ઉઠાવી છે. તેથી હવે રવિ પાકના અસ્તિત્વ સામે ખતરો ઉદભવે તેવી સ્થિતિ છે. કારણ કે જિલ્લાના કુલ દસ ડેમોમાં 65 ટકા જેટલો જીવંત જળ જથ્થો હોય જે પીવા માટે અનામત રખાયો છે.
| તાલુકો | સામાન્ય સરેરાશ (મીમી) | ચાલુ સીઝનનો વરસાદ (મીમી) | ઇંચમાં વરસાદ | સરેરાશની સરખામણીએ |
| --------------- | --------------------- | ------------------------ | ------------ | ----------------- |
| માળિયા | 513 | 639 | 25.16 | 124.56% |
| મોરબી | 684 | 677 | 26.65 | 98.98% |
| વાંકાનેર | 559 | 584 | 22.99 | 104.47% |
| હળવદ | 504 | 558 | 21.97 | 110.71% |
| ટંકારા | 677 | 491 | 19.33 | 72.53% |
| જિલ્લાની સરેરાશ | 587.40 | 589.80 | 23.22 | 100.41% |