બરવાળા ગામે માતા સાથે કપડાં ધોવા ગયેલી બાળકીનું ડૂબી જવાથી મોત, ઘુંટુ નજીક યુવકનો પરિવાર સાથે બોલાચાલી બાદ ગળેફાંસો
મોરબી : મોરબી જિલ્લામાં અલગ અલગ ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. મોરબીના શનાળા ગામ પાસે રાજકોટ-મોરબી હાઇવે પર આખલા સાથે બાઇક અથડાતાં 68 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત થયું હતું. જ્યારે બરવાળા ગામે માતા સાથે કપડાં ધોવા ગયેલી 10 વર્ષીય બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આ ઉપરાંત નવલખી રોડ પરથી બીમાર હાલતમાં મળી આવેલા આશરે 40 વર્ષીય અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. ઘુંટુ નજીક સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઝારખંડના યુવકને ફોન પર પરિવાર સાથે કોઈ બાબતે ઝઘડો થતા માઠુ લાગી આવતા તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરીને મોતની સોડ તાણી લીધી હતી.
મોરબીના શનાળા ગામે સતી પ્લોટમાં શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા બાલુભાઈ ગોકળભાઈ મેરજા (ઉં.વ. 68) બાઇક નંબર જીજે-3-ડીપી-2023 લઈને મોરબી-રાજકોટ હાઇવે પર ટોયોટા શોરૂમ સામેના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક આખલા સાથે અથડાતાં તેઓને માથા, છાતી સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રભાઈ બાલુભાઈ મેરજા (ઉં.વ. 46), હાલ રહે. સનાળાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતી તનુબેન રાજુભાઈ દેલવાડિયા (ઉં.વ. 10) ગઈકાલે બપોરે આશરે ત્રણ વાગ્યે માતા સાથે ગામની પાણીની ખાડ પાસે કપડાં ધોવા ગઈ હતી. તે દરમિયાન અચાનક પગ લપસી જતાં બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. માતાની નજર સામે જ પુત્રીનું ડૂબી જવાથી કરુણ મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી શહેરના નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક સોસાયટી તરફ જવાના રસ્તા પરથી ગત તા. 21ના રોજ બીમાર હાલતમાં આશરે 40 વર્ષનો અજાણ્યો પુરુષ મળી આવ્યો હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની ઓળખ અંગેની વિગતો સામે આવી નથી. આ બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં લખધીરપુર રોડ પર આવેલી ડોનાટો વિટ્રીફાઇડ સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં જ કામ કરતા મૂળ ઝારખંડના ગિરિડીહ જિલ્લાના ટુંટુનકુમાર બ્રહ્મદેવ રાયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ગઈકાલે પરિવાર સાથે ફોન પર વાતચીત કરી રહ્યો હતો, તે દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થતાં તેને લાગી આવ્યું હતું. ત્યારબાદ તેણે ફેક્ટરીની બાજુમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.