મચ્છુ રથ, હંસ રથ, મયૂર રથ, કૈલાસ રથ, સૂર્ય રથ, કુટિર રથ અને કમળ રથ બનશે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ; હજારો હરિભક્તોના આગમનથી મોરબીમાં ઉત્સવી માહોલ
મોરબી : મોરબીના મચ્છુ નદીના કિનારે ઝૂલતાપૂલ પાસે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આયોજિત આ મહોત્સવને લઈને મોરબીમાં ધાર્મિક ઉત્સાહ છવાયો છે. ઉત્સવમાં સહભાગી થવા હજારો હરિભક્તો મોરબી આવી પહોંચ્યા છે, ત્યારે કાલે તા. ૨૪ ઓક્ટોબરના રોજ ભગવાનની ભવ્યાતિભવ્ય નગરયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી નીકળશે. ઠાકોરજીના દિવ્ય રથ, આકર્ષક શણગાર, ભક્તિભાવ અને જયઘોષ સાથે યોજાનારી આ યાત્રાને વધાવવા નગરજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નગરયાત્રા બપોરે ૩થી સાંજે ૭ વાગ્યા દરમિયાન રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતેથી પ્રસ્થાન કરશે. ત્યાંથી ગોલ્ડન માર્કેટ, કેપિટલ માર્કેટ, બાપા સીતારામ ચોક, ગાંધી ચોક-મોરબી મહાનગરપાલિકા, નહેરુ ગેટ, પોસ્ટ ઓફિસ અને શક્તિ ચોક (કોમર્સ વે) થઈને મોરબી-૨ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ થશે. સમગ્ર માર્ગ પર દુકાનો, શો-રૂમ, કચેરીઓ, મકાનો અને સોસાયટીઓના ભાવિકોને ભગવાનના સ્વાગત માટે જોડાવા આયોજન કરવામાં આવ્યું છે. નગરયાત્રા પોતાના વિસ્તારમાંથી પસાર થાય ત્યારે માર્ગ પર ઉપસ્થિત રહી ઠાકોરજીનાં દર્શન કરવા, પુષ્પપાંખડીઓથી વધાવવા તથા આરતી ઉતારીને ભક્તિભાવ વ્યક્ત કરવા આયોજકો દ્વારા ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
નગરયાત્રામાં ઠાકોરજીની સાથે મચ્છુ રથ, હંસ રથ, મયૂર રથ, કૈલાસ રથ, સૂર્ય રથ, કુટિર રથ અને કમળ રથ જેવા અતિ સુંદર તથા આકર્ષક રથ જોડાશે. આ રથોમાં નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નીલકંઠવર્ણી મહારાજ, શ્રી રાધાકૃષ્ણ ભગવાન, શ્રી રામ પંચાયતન, શ્રી શિવ પંચાયતન તેમજ ગુણાતીત ગુરુપરંપરાની દિવ્ય મૂર્તિઓનાં દર્શનનો લાભ મળશે. રથોની કલાત્મક રચના, ધાર્મિક સજાવટ અને ભક્તિમય વાતાવરણ નગરયાત્રાની શોભામાં વધારો કરશે. ભગવાનના આગમનને વધાવવા માર્ગો પર ભાવિકોની ઉપસ્થિતિ સાથે સમગ્ર શહેરમાં ઉત્સવની દિવ્યતા અનુભવાશે.
ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ સહિત દેશ-વિદેશમાં ભવ્ય મંદિરોના નિર્માણ દ્વારા સનાતન સંસ્કૃતિનો મહિમા વધારનાર બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પથી પ્રેરિત આ મંદિર મહંત સ્વામી મહારાજના પુરુષાર્થથી મોરબીમાં સાકાર થયું છે. મચ્છુ નદીના તટે શહેરના નજરાણા સમાન આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે તા. ૨૫ ઓક્ટોબર, રવિવારે ભગવાનની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થશે. આથી તા. ૨૪ના રોજ નીકળનારી નગરયાત્રા મહોત્સવનો મહત્વનો અવસર બની રહેશે.
મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજથી શરૂ થયેલી ધાર્મિક ઉજવણીમાં હરિભક્તોની સહભાગિતા સાથે આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક અવસરો યોજાશે. ભગવાનની પ્રતિષ્ઠા અને દિવ્ય મૂર્તિઓનાં દર્શનના આ પાવન અવસરને લઈને મોરબીમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હજારો ભાવિકોની હાજરી વચ્ચે યોજાનારી નગરયાત્રા શહેરના રાજમાર્ગોને ભક્તિમય બનાવશે અને મોરબીવાસીઓ માટે યાદગાર ધાર્મિક અવસર બની રહેશે.