વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે રૂ.3 હજાર સુધીની ફી ધરાવતો ટ્રિપલ-સી સર્ટિફાઇડ કોર્સ વિનામૂલ્યે કરાવાશે
મોરબી : આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ મેળવી આત્મનિર્ભર બનવાની તક મળે તે હેતુથી મોરબીમાં ટ્રિપલ-સી સર્ટિફાઇડ કમ્પ્યુટર કોર્સ તદ્દન વિનામૂલ્યે કરાવવામાં આવશે. વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.
સામાન્ય રીતે રૂ.2500થી રૂ.3000 જેટલી ફી ધરાવતા આ કોર્સનો લાભ મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળશે. કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ટ્રિપલ-સી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જેથી તેમને આગળના અભ્યાસ તેમજ રોજગાર માટે ઉપયોગી બની શકે.
આ સેવા યજ્ઞમાં આર્થિક સહયોગ કચ્છના માધાપર વતની અને હાલ દુબઈ નિવાસી નરેશભાઈ કાનજીભાઈ મેપાણી દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા આશરે 100 વિદ્યાર્થીઓને આ કોર્સ કરાવી પગભર બનવામાં મદદ કરવામાં આવી હોવાનું સંસ્થાના પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયાએ જણાવ્યું હતું.
આ કોર્સ સુજતન કોમ્પ્યુટર ક્લાસના સંચાલિકા તથા શિક્ષિકા હીનાબેન પરમારના સહયોગથી યોજાશે. સંસ્થાના ફાઉન્ડર શોભનાબા સહદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે સંસ્થાના પિતા સમાન હિતેશભાઈ પંડ્યાના 8 સપ્ટેમ્બરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દર વર્ષે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ રીતે વિદ્યાદાન આપવામાં આવે છે.પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. કોર્સમાં જોડાવા ઇચ્છતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ આધારકાર્ડ સાથે હીનાબેન પરમારનો 98259 30156 પર તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે.