Tuesday - Sep 08, 2026

માળીયાના મોટા દહીંસરા નકલી દારૂ કાંડમાં 5 આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર

માળીયાના મોટા દહીંસરા નકલી દારૂ કાંડમાં 5 આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર

માસ્ટરમાઇન્ડ હજુ પોલીસ પકડથી દૂર; રાજસ્થાનથી કેમિકલ-માલ્ટ મંગાવી બે મકાનમાં તૈયાર થતો ‘નકલી વિદેશી દારૂ’, બોટલ પર ડુપ્લીકેટ QR-બારકોડ લગાવી બજારમાં વેચવાનો હતો કારસો

મોરબી : માળિયા (મી.)ના મોટા દહીંસરામાં ઝડપાયેલા ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના કૌભાંડમાં પોલીસ તપાસ આગળ વધી છે. મોરબી એલસીબીએ દરોડો પાડી ઝડપી લીધેલા પાંચ આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ગણાતો અજયસિંહ ભાવુભા જાડેજા હજુ ફરાર હોવાથી પોલીસ માટે તેને ઝડપી પાડવો અને કૌભાંડનું આખું નેટવર્ક બહાર લાવવું પડકારરૂપ બન્યું છે.

મોટા દહીંસરાના કૃષ્ણનગર વિસ્તારમાં મહેશ ઉર્ફે મુન્નો કાંજીયાના મકાનમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી આરોપીઓ મહેશ ઉર્ફે મુન્નો કાંજીયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો સીંધવ અને વિક્રમભાઈ ધંધુકીયાને ઝડપી લીધા હતા.જોકે દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર અજયસિંહ જાડેજા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સામાન્ય કેમિકલ, માલ્ટ, ફૂડ કલર અને પાણી સહિતના ઘટકોનું મિશ્રણ કરીને હલકી ગુણવત્તાનું પ્રવાહી તૈયાર કરતા હતા. ત્યારબાદ આ પ્રવાહીને ‘બ્લેન્ડર પ્રાઈડ સિલેક્ટ પ્રીમિયમ વ્હિસ્કી’ની ખાલી કાચની બોટલોમાં ભરીને અસલી દારૂ તરીકે બજારમાં ઉતારવાની તૈયારી હતી. દારૂ અસલી હોવાનું ભાસે તે માટે બોટલો પર ઓરિજિનલ જેવા સ્ટીકર, ઢાંકણાં ઉપરાંત ડુપ્લીકેટ બારકોડ અને QR કોડ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખાલી બોટલો 2-3 દિવસ પહેલાં જ આવી હતી

પોલીસના દરોડા સમયે ફેક્ટરીમાં પેકિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. તપાસમાં ખૂલ્યા મુજબ ખાલી કાચની બોટલો પણ બે-ત્રણ દિવસ પહેલાં જ મંગાવવામાં આવી હતી. એટલે કે તૈયાર કરાયેલા નકલી દારૂને બોટલમાં ભરી પેકિંગ કરીને બજારમાં પહોંચાડવાની કામગીરી અંતિમ તબક્કામાં હોવાનું સામે આવ્યું છે.

રાજસ્થાનથી આવતો હતો કાચો માલ

નકલી દારૂના આ કૌભાંડના તાર રાજસ્થાન સુધી જોડાતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું કેમિકલ, માલ્ટ તથા અન્ય સામગ્રી રાજસ્થાનથી મંગાવવામાં આવતી હોવાની માહિતી પોલીસને મળી છે. પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે મુખ્ય સૂત્રધાર અજયસિંહ જાડેજા અગાઉ કચ્છની પાલારા જેલમાં હતો ત્યારે ત્યાં સંપર્કમાં આવેલા રાજસ્થાનના એક આરોપી સાથે મળીને નકલી દારૂ બનાવવાના આ કૌભાંડનું કાવતરું ઘડાયું હોવાની શક્યતા છે. જોકે આ સમગ્ર નેટવર્કમાં રાજસ્થાનથી કોણ કાચો માલ મોકલતું હતું અને અહીં કોના મારફતે પહોંચાડવામાં આવતો હતો તે અંગે પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી રહી છે.

પ્રવાહી તૈયાર કરી બોટલમાં ભરી બજારમાં મોકલવા સુધીની કામગીરી

નકલી દારૂનું નેટવર્ક એક જ સ્થળે નહીં, પરંતુ બે અલગ મકાનમાં અલગ-અલગ તબક્કે ચાલતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહેશ કાંજીયાના મકાનમાં બેરલમાં કેમિકલ સહિતના ઘટકોનું મિશ્રણ કરીને દારૂ જેવું પ્રવાહી તૈયાર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ તૈયાર પ્રવાહી અજયસિંહ જાડેજાના દરબારગઢ વિસ્તારના રહેણાંક મકાને લઈ જવાતું હતું. ત્યાં કર્મરાજસિંહ, રામદેવસિંહ, વિક્કી અને વિક્રમભાઈ બોટલિંગ અને પેકિંગની કામગીરી કરતા હતા. આમ, પ્રવાહી તૈયાર કરવાથી લઈને તેને બોટલમાં ભરી બજારમાં મોકલવા સુધીની કામગીરી અલગ-અલગ તબક્કામાં ગોઠવવામાં આવી હતી.

8 દિવસના રિમાન્ડમાં પોલીસ નકલી દારૂ કાંડના નેટવર્કને ભેદી શકશે ?

હાલ પાંચેય આરોપીઓ 8 દિવસના પોલીસ રિમાન્ડ પર હોવાથી તપાસનો મુખ્ય ફોકસ ફરાર માસ્ટરમાઇન્ડ અજયસિંહ જાડેજા સુધી પહોંચવા ઉપરાંત નકલી દારૂના નેટવર્કની આખી સાંકળ શોધવા પર છે. કાચો માલ ક્યાંથી આવતો હતો, કોને સપ્લાય કરવાનો હતો, અત્યાર સુધી કેટલો નકલી દારૂ તૈયાર થયો હતો, અગાઉ આવી કોઈ खेપ બજારમાં ઉતારવામાં આવી હતી કે કેમ અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસ પૂછપરછ કરી રહી છે. ફરાર મુખ્ય આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હવે રિમાન્ડ દરમિયાન મળતી વિગતોના આધારે મોરબીથી રાજસ્થાન સુધી ફેલાયેલા આ નકલી દારૂના નેટવર્કમાં હજુ કેટલા ચહેરા સામે આવે છે તેના પર તપાસનો આધાર રહેશે.

માળીયાના મોટા દહીંસરા નકલી દારૂ કાંડમાં 5 આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર