Wednesday - Nov 25, 2026

કેરાળી ગામે જમીન જોવા ગયેલા યુવાનને બે શખ્સોની ધમકી, ધોકા સાથે ઘસી આવી ગાળો આપી

કેરાળી ગામે જમીન જોવા ગયેલા યુવાનને બે શખ્સોની ધમકી, ધોકા સાથે ઘસી આવી ગાળો આપી

મોરબી તાલુકાના કેરાળી ગામે પોતાની માલિકીની ખેતીની જમીન જોવા પરિવાર સાથે ગયેલા યુવાનને બે શખ્સોએ ધોકા સાથે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવાને બંને શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના સર્કિટ હાઉસ પાસે આવેલી આશા પાર્ક સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ.33) પોતાની માલિકીની કેરાળી ગામના સર્વે નંબર 9ની ખેતીની જમીન પરિવાર સાથે જોવા ગયા હતા. તે દરમિયાન અરજણભાઈ લખમણભાઈ ચાવડીયા અને નવઘણભાઈ રાજુભાઈ ચાવડીયા (રહે. કેરાળી) ધોકા સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. બંને શખ્સોએ ફરિયાદીની કબજાવાળી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ બનાવ અંગે ભગીરથસિંહ રાઠોડે બંને શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.