વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહમાં જેની મારવણીયાનું વિશેષ સન્માન કરાયું, પરિવારના વડીલો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે સમગ્ર ગુજરાતમાં વસતા મારવણીયા પરિવારનો 28મો સ્નેહમિલન સમારોહ તા. 24 નવેમ્બર 2026ના રોજ કારતક સુદ પૂનમના પવિત્ર અવસરે યોજાયો હતો. આ પ્રસંગે માતાજીના મંદિરે હવન, પરિવાર દ્વારા નિર્મિત વાડીમાં સ્નેહમિલન, વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ, વિશિષ્ટ સિદ્ધિ સન્માન અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સ્નેહમિલનના ભાગરૂપે યોજાયેલા વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહમાં મારવણીયા પરિવારના પૂર્વ પ્રમુખ તરશીભાઈ જીવરાજભાઈ મારવણીયાની પૌત્રી તથા શકત શનાળા પ્લોટ શાળાના પ્રિન્સિપાલ હર્ષદભાઈ મારવણીયા અને મીનાબેન હર્ષદભાઈ મારવણીયાની પુત્રી કુમારી જેની મારવણીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
જેની મારવણીયાએ વર્ષ 2025ની ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી કુલ 97.50 ટકા સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત મારવણીયા પરિવારમાં પ્રથમ ક્રમ મેળવી પરિવારનું ગૌરવ વધારવા બદલ તેને ભેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે પરિવારના વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત સભ્યોએ જેનીને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પરિવારના પ્રમુખ, મંત્રી અને વડીલોએ પ્રસંગોચિત વક્તવ્યો રજૂ કરી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ત્રિભોવનભાઈ મારવણીયાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ હર્ષદભાઈ મારવણીયાએ કરી હતી. સ્નેહમિલન સમારોહને સફળ બનાવવા પરિવારના કારોબારી સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અંતે સૌએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો.