Tuesday - Nov 24, 2026

ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં વધુ નફાની લાલચ આપી હળવદના વૃદ્ધ સાથે રૂ. 24.91 લાખની ઠગાઈ

ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં વધુ નફાની લાલચ આપી હળવદના વૃદ્ધ સાથે રૂ. 24.91 લાખની ઠગાઈ

ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી અલગ-અલગ બેંક ખાતાંમાં રોકાણ કરાવ્યું : નાણાં પરત ન મળતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ

હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ વિશ્વાસમાં લઈને અલગ-અલગ બેંક ખાતાંમાં જુદી જુદી તારીખે કુલ રૂ. 24,91,758 ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, રોકાણ કરેલી રકમ કે નફો પરત ન મળતાં વૃદ્ધે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોબાઈલ નંબરના ધારક, ટેલિગ્રામ યુઝર સહિત તપાસમાં જેનાં નામ સામે આવે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હળવદમાં સોનીવાડ વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે રહેતા હર્ષદભાઈ શાંતિલાલ પાટડીયા (ઉં.વ. 63)એ મોબાઈલ નંબર 9401214652ના ધારક અમિતભાઈ રોમાનિયા, ટેલિગ્રામ યુઝર  તથા તપાસમાં જેનાં નામ સામે આવે તેની સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કાવતરું રચીને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ વેબસાઈટ પર તેમનું યુઝર આઈડી બનાવડાવી રોકાણમાં નફો થતો હોવાની ભ્રામક માહિતી આપી હતી. આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાંની વિગતો મોકલી જુદી જુદી તારીખે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે કુલ રૂ. 24,91,758નું રોકાણ કરાવ્યા બાદ રકમ પરત ન આપી વૃદ્ધ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.