ટેલિગ્રામ પર અલગ-અલગ આઈડી બનાવી ઓનલાઇન ટાસ્કના નામે નાણાં પડાવ્યાં : હળવદ તાલુકા પોલીસમાં ફરિયાદ
હળવદ : હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા યુવાનને ટેલિગ્રામ મારફતે ઘરે બેઠા ટાસ્ક પૂરા કરીને પૈસા કમાવવાની લાલચ આપીને રૂ. 4,49,549ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી છે. અલગ-અલગ UPI ID અને બેંક ખાતાં મારફતે યુવાન પાસેથી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ રકમ પરત મળી નથી. આ બનાવ અંગે યુવાને ટેલિગ્રામના અલગ-અલગ આઈડી ધારકો અને બેંક ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ દિનેશભાઈ પટેલ (ઉં.વ. 33)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટેલિગ્રામ એપ્લિકેશનના અલગ-અલગ આઈડી ધારકો, UPI અને બેંક ખાતાધારકો તેમજ તપાસમાં જેનાં નામ સામે આવે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ કાવતરું રચીને ટેલિગ્રામ પર અલગ-અલગ આઈડી બનાવી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ઘરે બેઠા ટાસ્ક પૂરા કરીને પૈસા કમાઈ શકાશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ અલગ-અલગ UPI ID અને બેંક ખાતાં મારફતે ફરિયાદી પાસેથી કુલ રૂ. 4,49,549 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, આ રકમ પરત આપવામાં ન આવતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.