ટંકારાના જબલપુરની મહિલાને વોટ્સએપ પર APK ફાઈલ મોકલી સાયબર ઠગાઈ આચરી : ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતી મહિલાને મિંત્રા એપ્લિકેશનમાંથી મંગાવેલી વસ્તુનો ઓર્ડર કેન્સલ થયાનું કહી અજાણ્યા શખ્સે વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ મહિલાના વોટ્સએપ પર PDF ફાઈલના સ્વરૂપમાં APK ફાઈલ મોકલી હતી. મહિલાએ ફાઈલ ઓપન કરતાં જ મોબાઈલ હેક થઈ ગયો હતો અને તેમના બેંક ખાતામાંથી રૂ. 95,000 ઉપડી ગયા હતા. આ બનાવ અંગે મહિલાએ મોબાઈલ નંબરના ધારક અને બેંક ખાતાના ધારક સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા શીતલબેન વિશાલભાઈ કગથરા (ઉં.વ. 25)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ નંબર 8040011450ના ધારક, ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતાધારક તેમજ તપાસમાં જેનાં નામ સામે આવે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, શીતલબેને મિંત્રા એપ્લિકેશનમાંથી વસ્તુનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર કેન્સલ થયો હોવાનું અજાણ્યા શખ્સે ફોન કરીને જણાવ્યું હતું અને વિશ્વાસ કેળવ્યા બાદ તેમના વોટ્સએપ પર PDF ફાઈલના સ્વરૂપમાં APK ફાઈલ મોકલી હતી. મહિલાએ આ ફાઈલ ઓપન કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ તેમની જાણ બહાર બેંક ખાતામાંથી રૂ. 95,000 ઇન્ડિયન ઓવરસીઝ બેંકના અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ રકમ આજદિન સુધી પરત મળી ન હોવાથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ટંકારા પોલીસે ગુનો નોંધી અજાણ્યા સાયબર ઠગોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.