ટ્રાન્જેક્શનનો મેસેજ પણ ન મળતાં સાયબર છેતરપિંડીની ફરિયાદ
મોરબી : મોરબીના ધરમપુર રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વકીલના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ખાતામાંથી રૂ. 98,000નું અજાણ્યું ડિજિટલ ટ્રાન્જેક્શન થઈ જતાં છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે ખાતામાંથી રકમ ઉપડી હોવા છતાં બેંક તરફથી ટ્રાન્જેક્શન અંગેનો મેસેજ પણ ફરિયાદીને મળ્યો ન હતો. આ અંગે વકીલે મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે બેંક ઓફ ઇન્ડિયાના સંબંધિત ખાતાધારક સહિત તપાસમાં જેનાં નામ સામે આવે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ધરમપુર રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી (ઉં.વ. 39)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે સાયબર ફ્રોડ અને ઉચાપત અંગે લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદ મુજબ, તેમનું એસબીઆઈની ગ્રીન ચોક-દરબારગઢ શાખામાં બેંક ખાતું છે અને તેમાં થતા નાણાકીય વ્યવહારોના મેસેજ તેમને નિયમિત મળતા હતા. જોકે, ગત તા. 22/10/2026ના રોજ બપોરે પોણા બે વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે UPI અથવા અન્ય કોઈ ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરીને તેમના ખાતામાંથી રૂ. 98,000નું ટ્રાન્જેક્શન કરી લીધું હતું. આ વ્યવહાર અંગે બેંક તરફથી કોઈ મેસેજ ન મળતાં શરૂઆતમાં તેમને રકમ ઉપડી ગયાની જાણ થઈ નહોતી. બાદમાં આ અંગે જાણ થતાં તેમણે પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે બેંક ઓફ ઇન્ડિયાના સંબંધિત ખાતાધારક તેમજ તપાસ દરમિયાન જેનાં નામ સામે આવે તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.