સરવડના યુવાનના ખાતામાંથી રૂ. 1.76 લાખ અને પાંચ દ્વારકાના યુવાનના ખાતામાંથી રૂ. 3.41 લાખ ઉપડી ગયા
મોરબી : મોરબી જિલ્લામાં સાયબર ઠગાઈના બે બનાવ સામે આવ્યા છે. માળીયા મિયાણાના સરવડ ગામે રહેતા યુવાનનો મોબાઈલ હેક કરીને બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ. 1.76 લાખના વ્યવહારો કરી લેવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામના યુવાનનો મોબાઈલ હેક કરીને તેના બેંક ખાતામાંથી રૂ. 3.41 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. બંને બનાવમાં ભોગ બનનાર યુવાનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માળીયા મિયાણાના સરવડ ગામે રહેતા ચિરાગભાઈ અશોકભાઈ અઘારા (ઉં.વ. 34)એ અજાણ્યા શખ્સ સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સે કોઈ રીતે તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યારબાદ બેંક ઓફ બરોડાના ખાતામાંથી ફીનો પેમેન્ટ બેંકના UPI ID મારફતે રૂ. 96,000 અને કેનેરા બેંકના ખાતામાંથી UPI ID મારફતે રૂ. 80,000ના વ્યવહારો કરવામાં આવ્યા હતા. આમ, બંને બેંક ખાતામાંથી કુલ રૂ. 1,76,000ની રકમ તેમની જાણ બહાર ઉપાડી લઈ છેતરપિંડી કરવામાં આવી હતી. બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે રહેતા સલીમભાઈ સાજીદભાઈ બાદી (ઉં.વ. 38)એ અજાણ્યા શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના મોબાઈલ ફોનને અજાણ્યા શખ્સે હેક કર્યા બાદ બેંક ખાતામાંથી રૂ. 3,41,933.29ની રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચર્યાનું જણાવ્યું છે. બંને ફરિયાદના આધારે પોલીસે ગુના નોંધી અજાણ્યા સાયબર ઠગોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.