Monday - Sep 07, 2026

મોરબી પોલીસ ગ્રાઉન્ડમાં વૃક્ષ પર લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી પોલીસ ગ્રાઉન્ડમાં વૃક્ષ પર લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

પ્રસવ પીડા બાદ સિવિલ હોસ્પિટલમાં મહિલાનું મોત, રામઘાટ પાસે મચ્છુ નદીમાં ડૂબી વૃદ્ધનું મોત

મોરબી : મોરબી શહેરમાં અલગ-અલગ ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મૃત્યુ થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષ પર એક યુવાનનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. આ બનાવને પગલે એ-ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષ પર યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતાં મોરબી એ-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મનોજ થાપા તરીકે થઈ છે. મૂળ નેપાળનો મનોજ નજીકમાં આવેલી ઠાકર લોજના ક્વાર્ટરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવાન તાજેતરમાં જ રજા પર પોતાના વતન ગયો હતો અને ત્યારબાદ આ બનાવ સામે આવ્યો છે. હાલ મૃતકના પરિવારજનો મોરબી આવ્યા નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

મોરબી શહેરના રામઘાટ નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી નાની પારેખ શેરીમાં રહેતા કમલેશભાઈ છોટાલાલ સોમૈયા (ઉં.63)નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં સંજયસિંહ વજેસિંહ જાડેજાની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના રાધાબેન મનસુખભાઈ બીલવાલ (ઉં.વ.32) નવ મહિનાના ગર્ભવતી હતા. તેમને પ્રસવ પીડા ઉપડતાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.


મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા કેતનભાઈ દેવજીભાઈ ચાવડા (ઉં.વ.40)એ પોતાના ઘરે જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગે જાણ થતાં મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.