મનપાના કમિશનરનો કડક આદેશ, આદેશનું ઉલધધન કરનાર સામે કડક કાર્યવાહીનો નિર્દેશ
મોરબી : જૈન સમાજના પવિત્ર અને આત્મશુદ્ધિના પર્વ પર્યુષણની શરૂઆત સાથે મોરબીમાં પણ જીવદયા અને અહિંસાની ભાવના જળવાઈ રહે એ માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 8 સપ્ટેમ્બરથી તા.16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચિકનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે જાહેરનામું પ્રસિદ્ધ કરી સંબંધિત વેપારીઓને આ સમયગાળા દરમિયાન કતલખાના બંધ રાખવા તથા માંસાહારના વેચાણની પ્રવૃત્તિ ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જાહેરનામાની ચુસ્ત અમલવારી માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને નિયમનો ભંગ કરનાર સામે ધોરણસરની કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
પર્યુષણ જૈન સમાજ માટે માત્ર તહેવાર નહીં, પરંતુ આત્મશુદ્ધિ અને જીવદયાની સાધનાનો પર્વ છે. આ પર્વ દરમિયાન જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ જપ, તપ, ઉપવાસ, વ્રત અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા આત્મચિંતન અને સંયમની સાધના કરે છે. અહિંસા અને જીવદયા જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોમાં હોવાથી પર્યુષણ દરમિયાન કોઈપણ જીવને હાનિ ન પહોંચે તે ભાવનાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પોતાના શરીર અને સુખ-સગવડની પણ પરવા કર્યા વિના કઠોર ઉપવાસ અને તપશ્ચર્યા કરનારા જૈન સાધકો તથા શ્રાવક-શ્રાવિકાઓ માટે આ દિવસો આત્મકલ્યાણની સાથે જીવમાત્રના કલ્યાણની પ્રાર્થના અને કરુણાની સાધનાના દિવસો બને છે. ત્યારે શહેરમાં પણ અહિંસા અને જીવદયાની આ ભાવનાને અનુકૂળ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકાએ આ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી છે.