દર્શન માટે ઉમટેલી ભીડ વચ્ચે બનેલી ઘટના, ફાયર ટીમે રેસ્ક્યુ કરી કુંડમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો
મોરબી : શ્રાવણ માસના અંતિમ સોમવારે મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ વચ્ચે એક કરુણ ઘટના બની હતી. ભગવાન મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ત્યારે મંદિર પરિસરમાં આવેલા પાણીના કુંડમાં એક યુવાન ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર મંદિર પરિસરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
શ્રાવણ માસના આજે અંતિમ સોમવારે સવારે 11:24 કલાકે મોરબી ફાયર કંટ્રોલ રૂમને રફાળેશ્વર મહાદેવ મંદિરના પાણીના કુંડમાં એક વ્યક્તિ ડૂબી ગયાનો રેસ્ક્યુ કોલ મળ્યો હતો. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કુંડમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમે શોધખોળ બાદ પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
મૃતકની ઓળખ રફાળેશ્વર ગામના વતની જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉંમર આશરે 40થી 45 વર્ષ) તરીકે થઈ છે. શ્રાવણના અંતિમ સોમવારને પગલે મંદિર ખાતે દર્શનાર્થીઓની મોટી ભીડ અને ભારે ધસારો હતો ત્યારે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રાવણના પવિત્ર અંતિમ સોમવારે દર્શન અને ભક્તિના માહોલ વચ્ચે બનેલી આ કરુણ ઘટનાથી રફાળેશ્વર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી.