Monday - Sep 07, 2026

જન્મથી બંને પગ કામ ન કરતા અને એક હાથે ખોટ હોવા છતાં મોરબીનો યુવાન સ્વબળે બન્યો આત્મનિર્ભર

જન્મથી બંને પગ કામ ન કરતા અને એક હાથે ખોટ હોવા છતાં મોરબીનો યુવાન સ્વબળે બન્યો આત્મનિર્ભર

પિતાનું અવસાન થતાં ઘરની જવાબદારી માથે આવી પડી, બંને પગે 100 ટકા વિકલાંગ અને એક હાથે ખોટ છતાં  ભાંખોડિયાભેર ઢસડાઈને કારખાનામાં 12 કલાક મજૂરી કરીને યુવાન પરિવારનો આધારસતંભ બન્યો

(રવિ બરાસરા) : મોરબીના બેલા (રંગપર) ગામે રહેતા 39 વર્ષીય રાજેશભાઈ મનસુખભાઈ પરમાર નામના યુવાન માટે આર્થિક રીતે પગભર થવું અભિમન્યુના સાત કોઠા પાર કરવા  જેટલું કઠિન કામ હતું. કારણ કે, તેઓ જન્મથી જ ચાલી શકતા નથી. એમના માટે પગ હોવા છતાં ન હોવા બરાબર ગણી શકાય, ઉભા થઇને ચાલી જ શકતા ન હોય એમ જન્મથી બંને પગે સો એ સો ટકા વિકલાંગ છે. આટલું ઓછું હોય એમ એક હાથે પણ ખોટ હોવાથી ભારે વસ્તુ ઉપાડી જ ન શકે. તેથી તેમને એક જ હાથથી જ બધા કામ કરવા પડે, સામાન્ય કોઈ દિનચર્યા કરવી હોય તો પણ એમણે બેઠા બેઠા ઢસડાઈને જ ભારે મુશ્કેલી ઉઠાવીને કરવી પડે. બે ડગલાં પણ ચાલી ન શકે એ કઈ રીતે આત્મનિર્ભર બની શકે તેવો તેમના મનમાં પણ ગઈકાલ સુધી ભારે ડર સાથે પડકાર હતો. પરંતુ એમ તેમના સહિત કુલ પાંચ સભ્યોના પરિવારમાં મોભી પિતા જ કડીયા કામ કરીને એકલા હાથે ઘરની તમામ જવાબદારી નિભાવતા હતા. એમણે એક વર્ષ પણ અચાનક ફાની દુનિયા છોડી દીધી. એકબાજુ પિતાની વસમી વિદાયનો આઘાત હતો તો બીજી બાજુ રાજેશભાઈ માટે ઘરની જવાબદારીનું વહન કેવી રીતે કરવું એની મુશ્કેલભરી ઘડી એમના શિરે આવી પડી હતી. પોતાની શારીરિક અક્ષમતા તેઓ જાણતા હોય પણ ઘરનું ગુજરાન ચલાવવા આવકનો સ્ત્રોત જરૂરી હોવાથી મનોબળને મક્કકમ બનાવી શારીરિક ખામીઓની પરવા કર્યા વગર તેઓ એક સીરામીક કારખાનામાં મજૂરી કામે લાગી ગયા અને આ રીતે મજૂરી કામ કરતા કરતા આત્મનિર્ભર બન્યાને એક વર્ષ થઈ ગયું છતાં તેઓ તમામ મુશ્કેલીનો સામનો કરી 12 કલાકની મજૂરી કરીને પરિવારને હવે સ્થાયી કરી દીધો છે.
 

જન્મથી બંને પગ કામ ન કરતા અને એક હાથે ખોટ હોવા છતાં મોરબીનો યુવાન સ્વબળે બન્યો આત્મનિર્ભર

મેં મારી જાત પર તરસ ખાવાનું છોડી દીધું

રાજેશભાઇ પરમાર કહે છે કે, દરેક ક્ષણ મારે માટે જીવન એક સંઘર્ષ જ છે. મારા પિતા કડીયાકામની મજૂરી કામ કરવા છતાં પરિવારનું લાલન પાલન કરવામાં કોઈ કચાશ રાખી ન હતી. તેઓ અંતિમ શ્વાસ સુધી મજૂરી કરતા રહ્યા હતા. એટલું જ નહીં બન્ને બહેનોને સુખે ઘરે પરણાવતા ગયા , મને સારું શિક્ષણ આપવા રાજકોટ મોકલ્યો પણ હલન ચલનમાં તકલીફને લીધે 10 સુધી જ ભણી શક્યો છું. શરૂમાં કામ મેળવવા માટે જતો ત્યારે મારી હાલત પર તરસ ખાતા પણ મેં સ્પષ્ટ કહી દીધું કે, હું મહેનત કરીને જ કમાઈશ. અંતે આ દ્રઢ મનોબળથી મને ટાઇલ્સના કારખાનામાં કામ મળ્યું છે. 12 કલાક ટાઇલ્સ સોટિંગના કામમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આમ છતાં પણ એક વર્ષથી કામ કરૂં છું એને જીવનપર્યંત મહેનતનું જ કમાઈને ખાઈશ.
 

જન્મથી બંને પગ કામ ન કરતા અને એક હાથે ખોટ હોવા છતાં મોરબીનો યુવાન સ્વબળે બન્યો આત્મનિર્ભર

મુસ્કાન સંસ્થાની મદદથી કારખાનામાં અવરજવરમાં મુશ્કેલી ઓછી થઈ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના અગ્રણી રંજનાબેન સારડાએ જણાવ્યું હતું કે, આ યુવાનની આટલી કપરી હાલત વચ્ચે પણ રોજગારી મેળવવા જે કપરો સંઘર્ષ કરે છે તેની કલ્પના પણ ન કરી શકાય. એમને બે ડગલાં ચાલવામાં પણ ભાખોડીયાભેર પગે ઢસડાઇને જવું પડતું હોય ત્યારે એક વર્ષથી તેઓ મજૂરી કામ કરતા હોય ઘરથી કારખાનું એક કિમિ દૂર હોવાથી એમને અવરજવર મુશ્કેલી ન પડે તે માટે અમારી સંસ્થા વતી ટ્રાયસિકલ આપી છે. અમારો આ સહાય કરવાનો હેતુ એમના સ્વમાનને ઠેસ પહોંચાડવાનો નથી. બલ્કે એમની મુશ્કેલી ઓછી કરવા જ આ ફુલ નહિ તો ફૂલની પાંખડી જેવી મદદ કરી છે.