સરદાર રોડની રાધાકૃષ્ણ જ્વેલર્સમાં રૂ.17.24 લાખના સોના-ચાંદીના દાગીના ચોર્યા બાદ પાણીના ટાંકામાં છુપાવ્યા, રૂ.17.74 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી : મોરબીના સરદાર રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં પાછળની દીવાલમાં બાકોરું પાડી રૂ.17.24 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી જનાર પિતા-પુત્રની જોડીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે. ચોરી બાદ દાગીના રહેણાંક મકાનના ભોંયતળિયે આવેલા પાણીના ટાંકામાં સંતાડી રાખ્યા હતા. પોલીસે તમામ સોના-ચાંદીના દાગીના ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક મળી કુલ રૂ.17.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાત્રે દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડી ઘૂસ્યા
ગત તા.5 સપ્ટેમ્બર 2026ની રાત્રે સરદાર રોડ પર આવેલી રાધાકૃષ્ણ જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યા બાદ સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીનો ભંગાર મળી કુલ રૂ.17,24,000ની મત્તા ચોરી કરવામાં આવી હતી.
ચોરીની જાણ થતાં સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરો સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી.
250 જેટલા કેમેરા ફંફોસ્યા, બાતમીથી બાપ-દીકરા સુધી પહોંચી પોલીસ
ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા આશરે 250 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સાથે માનવબળના આધારે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મોરબીના વાવડી રોડ પર શ્રીજી પાર્કમાં રહેતા કરીમભાઈ હાસમભાઈ માણેક અને તેના પુત્ર મુસ્તાકભાઈ કરીમભાઈ માણેક ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. બંને મૂળ નવી નવલખી, તા.માળીયા-મીંયાણા વિસ્તારના હોવાનું પોલીસે જણાવ્યું છે.
બાતમીના આધારે પોલીસે પિતા-પુત્રને ઝડપી લઈ તપાસ કરતા ચોરીનો મુદ્દામાલ તેમના મકાનના ભોંયતળિયે આવેલા પાણીના ટાંકામાં સંતાડેલો મળી આવ્યો હતો.
સોના-ચાંદીનો તમામ મુદ્દામાલ રિકવર
પોલીસે પિતા-પુત્ર પાસેથી સોનાના નાકના દાણા અને પેન્ડલ મળી કુલ 24.05 ગ્રામ સોનું, ચાંદીના દાગીના કુલ 6 કિલો 250 ગ્રામ તેમજ 1 કિલો 696 ગ્રામ ચાંદીનો જૂનો ભંગાર કબજે કર્યો છે.
આ સોના-ચાંદીના દાગીનાની કુલ કિંમત રૂ.17.24 લાખ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-36-AM-7998, કિંમત રૂ.50 હજાર પણ પોલીસે કબજે કરી છે.
બાપ-દીકરાની ધરપકડ
આમ, પોલીસે ચોરીના રૂ.17.24 લાખના સોના-ચાંદીના દાગીના તથા રૂ.50 હજારની મોટરસાયકલ મળી કુલ રૂ.17.74 લાખનો મુદ્દામાલ કબજે કરી પિતા-પુત્ર કરીમભાઈ માણેક અને મુસ્તાકભાઈ માણેકની ધરપકડ કરી છે. ચોરીમાં બંનેની ભૂમિકા તથા અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.