સિરામિક વેપારીના પુત્રને શેરબજારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી બેંક-આંગડિયા મારફતે રકમ પડાવી લીધી, રૂ.61 લાખ રિકવર
મોરબી : શેરબજારમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચમાં મોરબીના સિરામિક-ટાઇલ્સ વેપારીના પુત્ર પાસેથી ઠગ ટોળકીએ રૂ.86.25 લાખ પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવબળના આધારે તપાસ હાથ ધરી મહેસાણા સુધી પહોંચીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ.61 લાખ રિકવર કર્યા છે.
ફોન કરી શેરબજારમાં રોકાણની સ્કીમ બતાવી જાળમાં ફસાવ્યો
મોરબી શહેરના ઉમા ટાઉનશીપમાં ગુંજન હોમ્સમાં રહેતા અને ટીંબડી નજીક ટાઇલ્સ-માર્બલનો વેપાર કરતા સીતારામ એન્ટરપ્રાઇઝના માલિક ભરતભાઈ ખીમજીભાઈ વરમોરા (ઉ.વ.45)ના પુત્ર પલ્લવને આરોપીઓએ ફોન કર્યો હતો. ફોન પર શેરબજારમાં રોકાણ કરવાની અલગ-અલગ સ્કીમોની માહિતી આપી તેમાં રોકાણ કરવાથી મોટો આર્થિક ફાયદો થશે તેવી વાતો કરવામાં આવી હતી.
આરોપીઓની વાતોમાં વિશ્વાસ આવ્યા બાદ મે અને જૂન 2026 દરમિયાન અલગ-અલગ તારીખે પલ્લવે શેરબજારમાં રોકાણ કરવાના નામે આરોપીઓ દ્વારા જણાવવામાં આવેલા બેંક ખાતાઓમાં તેમજ આંગડિયા પેઢી મારફતે કુલ રૂ.86,25,950 જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે, રકમ મેળવ્યા બાદ આરોપીઓએ તેનો ઉપયોગ રોકાણ માટે કરવાને બદલે ઓળવી લીધી હોવાનો આક્ષેપ છે.
રકમ પરત ન મળતાં 1930 પર ફરિયાદ
રોકાણ કરેલી રકમ પરત ન મળતાં અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા ફરિયાદીએ સરકારની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહેસાણા સુધી તપાસ લંબાવી ત્રણને દબોચ્યા
ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ટેક્નિકલ માધ્યમો તેમજ માનવબળના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. નાણાકીય વ્યવહારો અને અન્ય વિગતોની તપાસ કરતાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું.
આથી સાયબર ક્રાઈમની ટીમ મહેસાણા પહોંચી હતી અને તપાસના આધારે ત્રણ આરોપીઓને નીતિન બળદેવભાઈ રબારી (ઉ.વ.25, રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા), ભલાભાઈ લાલાભાઈ રબારી (ઉ.વ.49, રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા) અને કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર (ઉ.વ.26, રહે. હિરાપુરા (નળુ), તા. ખેરાલુ, જિ. મહેસાણા)ને ઝડપી લીધા હતા
પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં ગયેલી કુલ રકમ પૈકી રૂ.61,00,000ની રકમ રિકવર કરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવયુવાનોને ફોન કરી મોટી કમાણીના સપના બતાવતા
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ ટોળકીના સભ્યો નવયુવાનોને ફોન કરી શેરબજારમાં રોકાણની વિવિધ સ્કીમો અંગે માહિતી આપતા હતા. રોકાણ કરવાથી ઓછા સમયમાં મોટો નફો મળશે તેવી વાતો કરી તેમને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.
યુવાનો વિશ્વાસમાં આવ્યા બાદ તેમની પાસેથી મોટી રકમ અલગ-અલગ બેંક ખાતા, યુપીઆઈ અને આંગડિયા પેઢી મારફતે ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. રકમ મળ્યા બાદ તેનો ઉપયોગ શેરબજારમાં રોકાણ કરવાને બદલે છેતરપિંડી માટે કરવામાં આવતી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તેમજ અગાઉ પણ આવી રીતે કોઈ સાથે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.