કચ્છમાં સસ્તો કોપર અપાવવાની લાલચ આપી ભંગારના બે વેપારી પાસેથી એડવાન્સ પડાવ્યો, રૂ.10.50 લાખની રકમ રિકવર
મોરબી : મોરબીના ભંગારના વેપારીઓને કચ્છમાંથી સસ્તા ભાવે કોપરનો ભંગાર અપાવવાની લાલચ આપી રૂ.15,98,720ની છેતરપિંડી કરવાના ગુનામાં મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીની રકમ પૈકી રૂ.10.50 લાખ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ મળ્યા બાદ તપાસ આગળ ધપાવવામાં આવી હતી. ત્યારબાદ તા.8 સપ્ટેમ્બર 2026ના રોજ મોરબીના મહેન્દ્રનગર, ઘુંટું રોડ, તુલસી પાર્કમાં રહેતા અને ‘ધરતી સ્ક્રેપ ટ્રેડિંગ’ના નામે ભંગારનો વેપાર કરતા હરીલાલ વિરૂજી ગુર્જર (ઉ.વ.42)એ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, આરોપીઓએ ભંગારનો વેપાર કરતા હરીલાલ ગુર્જર તથા અન્ય વેપારી અંકિત મહાદેવ વિકાણીને કચ્છમાં સસ્તા ભાવે કોપરનો ભંગાર અપાવવાની વાત કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ કોપરનો માલ અપાવવાના બહાને એડવાન્સ પેટે અલગ-અલગ બેંક ખાતામાં લાખો રૂપિયા જમા કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી.
બેંક ખાતા અને ટેક્નિકલ વિગતોના આધારે ચારની ધરપકડ
પોલીસે ફરિયાદના આધારે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી હતી. અલગ-અલગ બેંક ખાતામાં થયેલા વ્યવહારોની વિગતોના આધારે તપાસ આગળ વધારતા ચાર શખ્સો પોલીસના હાથે લાગ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં નિતેશ કુંઢીયા, ઇરફાન ઉઠમણા, વાહિદ ઠેબા અને કમલેશ ઉર્ફે મયુર સિંધલનો સમાવેશ થાય છે. આરોપીઓ ટંકારા તથા મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના હોવાનું પોલીસે જણાવ્યું છે.
રૂ.10.50 લાખનો મુદામાલ રિકવર
પોલીસે આરોપીઓ સાથે સંકળાયેલા બેંક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી છેતરપિંડીની કુલ રકમ રૂ.15,98,720માંથી રૂ.10,50,000ની રકમ રિકવર કરી છે. સમગ્ર નાણાકીય વ્યવહાર તેમજ અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.