પ્રધાનમંત્રી મોદીના 25 વર્ષના સેવાકાર્ય નિમિત્તે એક મહિના સુધી 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
મોરબી : મોરબીના ઐતિહાસિક મણિમંદિર ખાતે આજે સાંજે 6.30 વાગ્યે ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે 6500 દીવડા તેમજ દીપમાળા પ્રગટાવવામાં આવશે, જેના પગલે આજે સાંજે મણિમંદિર દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠશે. કાર્યક્રમમાં સંધ્યા આરતી યોજાશે, જેમાં મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર અને જનતાની સેવામાં 25 વર્ષના સેવાકાર્ય તેમજ ‘વિકસિત ભારત 2047’ની સંકલ્પનાને અનુલક્ષીને મોરબી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.
આજે મણિમંદિર ખાતે યોજાનારા જિલ્લાકક્ષાના ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમ ઉપરાંત મોરબી જિલ્લાના વિવિધ નગરો અને ગામોમાં પણ આ કાર્યક્રમ યોજાશે.
એક મહિના દરમિયાન આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ
અભિયાન દરમિયાન સેવા સેતુ, આરોગ્ય કેમ્પ, રક્તદાન શિબિરો, ગંભીર રોગોના નિદાન માટેના કેમ્પ, અંગદાન પ્રતિજ્ઞા, મહિલા આરોગ્ય અને એનેમિયા જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાશે.
સ્વચ્છતા અને પર્યાવરણ માટે વિવિધ ઝુંબેશ
પર્યાવરણ અને સ્વચ્છતા ક્ષેત્રે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સામૂહિક શ્રમદાન, પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ, શાળાઓમાં કચરાના વર્ગીકરણની તાલીમ, ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષારોપણ અને જળસંરક્ષણની ઝુંબેશ હાથ ધરાશે.
શિક્ષણ અને યુવા શક્તિ માટે પણ આયોજન
શિક્ષણથી વંચિત બાળકોને શાળા સુધી પહોંચાડવાની વિશેષ પહેલ, કારકિર્દી માર્ગદર્શન, શાળાઓમાં ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, ‘નમો સેવા ગાથા’ નાટકો, મેગા યોગ-ધ્યાન શિબિરો તથા ‘ફિટ ઈન્ડિયા’ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
એક મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓ યોજાશે. આજે મણિમંદિર ખાતે 6500 દીવડા અને દીપમાળાના કાર્યક્રમ સાથે અભિયાનની શરૂઆત થશે.