હળવદના સાપકડા ગામના શખ્સે એકથી અડધો ટકો કમિશનની લાલચ આપી નાણાં જમા કરાવ્યા હોવાનું ખુલ્યું
હળવદ : દેશભરમાં હાહાકાર મચાવી રહેલા સાયબર માફિયાઓના રેકેટનો પર્દાફાશ થયા બાદ સાયબર માફિયાઓ ભાડાના બેન્ક એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ જમા કરાવી આવા મ્યુલ એકાઉન્ટ ધારકો પાસેથી આંગડિયા મારફતે નાણાં સગેવગે કરતા હોવાનું સામે આવતા મોરબી સહિત રાજ્યભરમાં ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે ત્યારે હળવદ તાલુકામાં પણ આવા વધુ ચાર બેન્ક એકાઉન્ટ ધારક તેમજ આવા નાણાં જમા કરાવ્યા બાદ કમિશન મળશે તેવી લાલચ આપનાર બેંકના જ કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ગાંધીનગર સાયબર ક્રાઈમ ટીમની તપાસમાં સાયબર માફિયાઓનું નેટવર્ક ઝડપાઇ ગયા બાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસને મ્યુલ એકાઉન્ટ ધારકોની યાદી મોકલવામાં આવતા સાયબર ક્રાઈમ મોરબીની ટીમે હળવદના કડીયાણા ગામના વતની અને હાલમાં માનગઢ ગામે રહેતા આરોપી હરજીવન નરભેરામ પટેલ, કડીયાણા ગામના મુકેશભાઈ ગોવિંદભાઇ ભરવાડ, જગદીશભાઈ ગોવિંદભાઇ ભરવાડ અને મેરુપર ગામના સાગર ભુદરભાઈ પટેલ નામના આરોપીઓના બેન્ક ખાતા ચેક કરતા લાખોના વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું
દરમિયાન આરોપી હરજીવન નરભેરામ પટેલની પૂછતાછમાં બેંકમાં નાણાં જમા થયા બાદ ઉપાડી પરત આપવાના બદલામાં હળવદની એસબીઆઈ બેંકમાં નોકરી કરતા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી શ્રીપાલસિંહ રહે.સાપકડા વાળો અડધો ટકાથી લઈ એક ટકા કમિશન આપતો હોવાનું અને શ્રીપાલસિંહના કહેવાથી જ ઉપરોક્ત ચારેય આરોપીઓએ બેંકમાં નાણાં જમા કરાવી બાદમાં એટીએમ, ચેકથી નાણાં ઉપાડી સાયબર માફિયા સુધી પહોંચાડ્યાનું સામે આવ્યું છે. વધુમાં હળવદમાં આ ચારેય આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં થયેલ સાયબર ફ્રોડના નાણાં જમા થયાનું સામે આવ્યું છે