લાંબા સમયથી લોંગ ટર્મ વિઝા પર વસવાટ બાદ ચારેયને ભારતીય નાગરિકતાના કાયમી પ્રમાણપત્ર મળ્યા
મોરબી : મોરબી જિલ્લામાં પાકિસ્તાનથી વર્ષો પહેલા લોંગ ટર્મ વિઝા પર સ્થળાંતર કરીને આવેલા હિન્દુ પરિવારોના ચાર સભ્યોને હવે ભારતીય નાગરિકતા મળી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ભારતીય નાગરિકતા અધિનિયમ હેઠળની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્રેમસિંઘ નેતસિંઘ, સવાઈ રોહસિંઘ, કિર્શનસિંહ રોહસિંઘ અને પરતાબસિંહ કાનજીને ભારતીય નાગરિકતાના કાયમી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનથી સ્થળાંતર કર્યા બાદ આ ચારેય વ્યક્તિઓ લાંબા સમયથી મોરબી જિલ્લામાં LTVના આધારે વસવાટ કરી રહ્યા હતા. સમય જતાં ભારતમાં કાયમી વસવાટ સાથે ભારતીય નાગરિકતા મેળવવાની પ્રક્રિયા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત દસ્તાવેજો અને કાયદાકીય પ્રક્રિયાની ચકાસણી બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકતા આપવા અંગેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષો સુધી વિઝા પર રહેતા આ ચારેય માટે ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર મળવું કાયદાકીય રીતે તેમની ભારતમાં નાગરિક તરીકેની સ્થિતિને કાયમી બનાવતું મહત્વનું પગલું બન્યું છે.
નાગરિકતા મળ્યા બાદ હવે ચારેય વ્યક્તિઓ ભારતીય નાગરિક તરીકે સરકાર દ્વારા નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા વિવિધ અધિકારો અને લાભો મેળવવા માટે હકદાર બન્યા છે. બીજી તરફ, મોરબી જિલ્લામાં વિઝા પર વસવાટ કરતા અન્ય અરજદારોની અરજીઓ અંગે પણ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા નવા CAA પોર્ટલ પર પેન્ડિંગ અરજીઓનો નિયમ મુજબ ઝડપથી નિકાલ કરવા ખાતરી આપવામાં આવી હતી. અરજદારો સાથે તેમની મુશ્કેલીઓ અને વહીવટી પ્રક્રિયા અંગે સીધી ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. લાંબા સમયથી પ્રક્રિયામાં રહેલી અરજીઓમાં નિકાલ મળતા લાભાર્થીઓએ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.