મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલથી વાંકડા ગામ જવાના રસ્તે નવા બની રહેલા કારખાનામાં એકાદ માસ પૂર્વે તસ્કરો કારખાનાની દીવાલ કૂદી વીજ ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી ઓઇલ ઢોળી નાખી અંદાજે 375 કિલોગ્રામ કોપર વાયરની ચોરી કરવાની સાથે ટ્રાન્સફોર્મરમાં ત્રણ લાખનું નુકશાન પહોંચાડતા ચોરીના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના ઉંચી માંડલ - વાંકડા રોડ પર નવી બની રહેલ પર્લ પ્લાસ્ટિક કમ્પાઉન્ડ નામની ફેકટરીના ભાગીદાર હસમુખભાઈ રતિલાલ કૈલા ઉ.40 રહે.કન્યા. છાત્રાલય રોડ, મોરબી વાળાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8 એપ્રિલ 2026ના રોજ તેમની નવી બની રહેલ ફેક્ટરીની દીવાલ કૂદી અંદર ખબકેલા તસ્કરોએ ફેકટરીમાં રહેલા વીજ ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી 1500 લીટર ઓઇલ ઢોળી નાખી અંદાજે 375 કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂપિયા 1,87,500ની ચોરી ટ્રાન્સફોર્મરમાં રૂ.3 લાખનું નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.