વર્ષ 2021થી વર્ષ 2024 દરમિયાન સાઇબર માફિયાઓએ આચરેલા કૌભાંડની હવે ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબી શહેર - જિલ્લામાં અવનવી તરકીબો અજમાવી સાયબર માફિયાઓ ઠગાઈ કરી રહ્યા છે જેમાં તાજેતરમાં રાજ્યવ્યાપી મ્યુલ એકાઉન્ટ કૌભાંડ સામે આવ્યા બાદ હવે સિરામિક એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના બોગસ આઇસગેટ એકાઉન્ટ બનાવી સાયબર ગઠિયાઓ સરકાર તરફથી મળતી ક્રેડિડ સહાયના રૂ.1.62 કરોડ હડપ કરી જતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરના પંચાસર રોડ પર ધરતી પાર્કમાં રહેતા અને સિરામિક પ્લાઝામાં નાશા ઇન્ટરનેશનલ નામની પેઢી ધરાવતા સિરામિક એક્સપોર્ટર દીપકભાઈ વલમજીભાઈ પાંચોટીયાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2021થી વર્ષ 2024 દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમની તેમજ અન્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓની પેઢીના નામે બોગસ આઇસગેટ એકાઉન્ટ બનાવી ખોટા મોબાઈલ નંબર તેમજ ડિજિટલ સિગ્નેચર થકી સરકાર તરફથી એક્સપોર્ટ બદલ મળતી આઇસગેટની રૂ.1,62,78,858 ની રકમ ઠગાઈ કરી મેળવી લીધી હતી.બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.