Monday - May 25, 2026

મોરબીના પીપળી ગામે ત્રણ પશુઓને હંકારી જનાર તસ્કર ઝબ્બે

મોરબીના પીપળી ગામે ત્રણ પશુઓને હંકારી જનાર તસ્કર ઝબ્બે

તાલુકા પોલીસે ત્રણ ચોરાઉ ભેંસ સાથે આરોપીને દબોચ્યો

મોરબી : મોરબી તાલુકાનાં પીપળી ગામે રહેતા પશુપાલકની રૂપિયા 1.10 લાખની એક ભેંસ અને બે ખડેલી પાડીઓની ચોરીની ઘટનામાં મોરબી તાલુકા પોલીસે મૂળ આણંદ જિલ્લાના વતની અને હાલમાં ટીંબડી ગામની સીમમાં રહેતા રીઢા પશુ ચોરને ઝડપી લઈ ત્રણેય ભેંસ કબ્જે કરી છે. આરોપી આ અગાઉ હળવદ, ધ્રોલ અને ખંભાતમાંથી પણ આ પ્રકારે પશુ ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા પશુપાલક મહેશભાઈ નાઝાભાઈ મૂંધવાના ઢોરવાડામાંથી ગત તા.18ના રોજ કોઈ અજાણ્યા તસ્કરો એક ભેંસ તેમજ બે ખડેલી પાડી મળી કુલ ત્રણ જીવ કિંમત રૂ.1,10,000ની ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે અંગે તાલુકા પોલીસે બાતમીદારોને કામે લગાડતા ટીંબડી ગામની સીમમાં રહેતા મૂળ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રાલેજ ગામના વતની આરોપી દિલીપ ઉર્ફે દિપો જયંતીભાઈ ઘેલડાએ ભેંસની ચોરી કરી હોવાનું સામે આવતા આરોપી દિલીપ ઉર્ફે દીપાને ઝડપી લઈ રૂ.1.10 લાખની કિંમતની એક ભેંસ અને બે પાડીઓ કબ્જે કરી પશુ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.આરોપી દિલીપ ઉર્ફે દીપા વિરુદ્ધ અગાઉ હળવદ, ધ્રોલ અને ખંભાત પોલીસ મથકમાં પણ ચોરી અંગેના ગુન્હા નોંધાયા હોવાનું સામે આવ્યું છે.