Thursday - Nov 19, 2026

મોરબીમાં 6 ડિસેમ્બરે જિલ્લા કક્ષાનો કલામહાકુંભ : ગ્રામ્ય-શહેર કક્ષાની સ્પર્ધાઓ અલગ-અલગ સ્થળે યોજાશે

મોરબીમાં 6 ડિસેમ્બરે જિલ્લા કક્ષાનો કલામહાકુંભ : ગ્રામ્ય-શહેર કક્ષાની સ્પર્ધાઓ અલગ-અલગ સ્થળે યોજાશે

તાલુકા અને ઝોન કક્ષાના વિજેતાઓ સહિત પસંદગી પામેલા કલાકારો ભાગ લેશે; કાવ્યલેખન, ગઝલ, લોકવાર્તા, કથક અને શાસ્ત્રીય સંગીત સહિતની સ્પર્ધાઓ યોજાશે

મોરબી : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા જિલ્લા કક્ષાના કલામહાકુંભ 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા બનેલા તેમજ સીધી જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામેલા કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરશે.

આયોજન અંતર્ગત મોરબી ગ્રામ્ય વિસ્તારની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ આગામી તા. 06 ડિસેમ્બર, 2026ના રોજ સવારે 8:00 કલાકે ઘુનડા ગામે આવેલી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાશે. જ્યારે મોરબી શહેર કક્ષાની સ્પર્ધાઓ તે જ દિવસે બપોરે 3:30 કલાકે સાર્થક વિદ્યામંદિર, મોરબી ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. કલામહાકુંભ અંતર્ગત કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ, ઓર્ગન, કથક અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તમામ પસંદગી પામેલા સ્પર્ધકોને પોતાના નિયત સ્થળે અને સમયે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. સ્પર્ધકોએ સ્પર્ધાના દિવસે નિર્ધારિત સમય મુજબ રિપોર્ટિંગ કરી આયોજનમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.