4 વર્ષમાં 67 લાખ કિલો ઘાસનું વેચાણ, વન વિભાગ દ્વારા GDP યોજના હેઠળ જમીન સુધારણા અને ઘાસ વાવેતરની કામગીરી; દુષ્કાળ અને અછતના સમયે પશુપાલકોને રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવાય છે
મોરબી : મોરબી જિલ્લામાં પશુપાલકોને ઘાસચારાની ઉપલબ્ધતા જળવાઈ રહે અને દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોના સમયે પશુઓના નિભાવ માટે ઘાસચારાની અછત ન સર્જાય તે હેતુથી વન વિભાગ દ્વારા વિવિધ વીડી વિસ્તારોમાં ઘાસ વાવેતર અને જમીન સુધારણાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કાલીકાનગર ક્ષેત્રિય રેન્જ હેઠળ આવેલી કાલીકાનગર વીડીમાં વર્ષ 2026-27 દરમિયાન GDP યોજના અંતર્ગત 155 હેક્ટર વિસ્તારમાં ઘાસ વાવેતર કરવામાં આવ્યું છે. અગાઉ સૂકી અને પથરાળ જમીન ધરાવતા આ વિસ્તારમાં હાલ ઘાસનું વાવેતર થતાં સમગ્ર વીડી લીલીછમ બની છે.
મોરબી વન વિભાગ હેઠળ આવતી વિવિધ વીડીઓમાં ઉગાડવામાં આવતા ઘાસનો ઉપયોગ કુદરતી આફતો અને ઘાસચારાની અછતના સમયે અસરગ્રસ્ત વિસ્તારોના પશુપાલકો માટે કરવામાં આવે છે. આ ઘાસનું રાહત દરે વેચાણ કરવામાં આવે છે. છેલ્લા 3થી 4 વર્ષ દરમિયાન મોરબી ડિવિઝન હેઠળની વીડીઓમાંથી અંદાજે 67 લાખ કિલો ઘાસનું વેચાણ કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ કિલો ઘાસનું વેચાણ થઈ ચૂક્યું છે અને વેચાણની કામગીરી હજુ ચાલુ છે.
155 હેક્ટરમાં ત્રણ અલગ મોડેલથી કામગીરી
કાલીકાનગર વીડીમાં ઘાસનું ઉત્પાદન વધારવા માટે 155 હેક્ટર વિસ્તારને ત્રણ અલગ-અલગ મોડેલમાં વહેંચીને કામગીરી કરવામાં આવી છે. જેમાં 65 હેક્ટરમાં ગ્રાસલેન્ડ વીડી ઇમ્પ્રૂવમેન્ટ, 20 હેક્ટરમાં નોન ઇરિગેટેડ અનડ્યુલેટિંગ વીડી એરિયા અને 70 હેક્ટરમાં સાઇટ ક્લિનિંગ તથા ખેતીની કામગીરીનો સમાવેશ થાય છે.
આ કામગીરી માટે ચોમાસા પૂર્વે જ સમગ્ર વિસ્તારની સાફસફાઈ કરવામાં આવી હતી. જમીન પર રહેલા અનિચ્છનીય વનસ્પતિ, ઝાડી-ઝાંખરા અને ઘાસની વૃદ્ધિમાં અવરોધરૂપ નીંદણ દૂર કરવામાં આવ્યાં હતાં. ખાસ કરીને કુવાડિયા જેવા નીંદણને નિયંત્રિત કરવા ટ્રેક્ટર મારફતે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વીડી વિસ્તારનું રક્ષણ કરવા કાંટાળી વાડ બનાવવાની સાથે રસ્તાઓનું સમારકામ અને જરૂરી સ્થળે નવા રસ્તા બનાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
ટચકા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે બીજનું વાવેતર
ચોમાસાની શરૂઆતમાં જૂન-જુલાઈ દરમિયાન ઘાસના બીજનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ માટે અગાઉના વર્ષમાં સ્થાનિક વિસ્તારમાંથી એકત્રિત કરાયેલા ઘાસના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજને માટી અને વર્મી કમ્પોસ્ટ ખાતર સાથે મિશ્રિત કરીને ટચકા પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિ અંતર્ગત 5 સેમી × 5 સેમી × 5 સેમીના માપ પ્રમાણે પ્રતિ હેક્ટર આશરે 1 લાખ જેટલા ટચકા તૈયાર કરી તેમાં બીજના મિશ્રણનું વાવેતર કરવામાં આવ્યું હતું. યોગ્ય સમયે થયેલા વરસાદ અને વાવેતરની કામગીરીના પરિણામે વીડી વિસ્તારમાં ઘાસનો ઉગાવો થયો છે અને મોટાભાગનો વિસ્તાર હરિયાળોછમ બન્યો છે.
દુષ્કાળના સમયે પશુપાલકો માટે ઘાસચારાનો આધાર
અગાઉ કાલીકાનગર વીડીનો મોટાભાગનો વિસ્તાર સૂકો અને ઘાસવિહોણો હતો. જેના કારણે ઉનાળા દરમિયાન તેમજ દુષ્કાળની પરિસ્થિતિમાં પશુઓના નિભાવ માટે પશુપાલકોને ઘાસચારાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે વન વિભાગ દ્વારા કરવામાં આવેલા ઘાસ વાવેતર અને જમીન સુધારણાના કારણે અહીં ઘાસચારો ઉપલબ્ધ થવાની શક્યતા વધી છે. મોરબી ડિવિઝન હેઠળની વીડીઓમાં તૈયાર થતો ઘાસચારો માત્ર પશુપાલકોની જરૂરિયાત પૂરી કરવામાં જ નહીં, પરંતુ કુદરતી આફતોના સમયે પશુધનને બચાવવા માટે પણ ઉપયોગી બને છે. ખાસ કરીને વરસાદની અછત કે અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત દરે ઘાસનું વેચાણ કરવામાં આવતું હોવાથી પશુપાલકોને મુશ્કેલ સમયમાં આધાર મળી રહે છે.
કાલીકાનગર વીડીમાં હાથ ધરાયેલી આ કામગીરીના કારણે એક તરફ જમીન પર હરિયાળીનું પ્રમાણ વધ્યું છે, તો બીજી તરફ પશુધન માટે ઘાસચારાનો સ્રોત પણ ઊભો થયો છે. આમ, વન વિભાગની આ કામગીરી પર્યાવરણ સંરક્ષણની સાથે પશુપાલન વ્યવસાય માટે પણ ઉપયોગી બની રહી છે.