ઓક્ટોબર માસ દરમિયાન જિલ્લા ટાસ્ક ફોર્સની ઓચિંતી તપાસમાં કાર્યવાહી; બાળમજૂરી કરાવતી સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી
મોરબી : મોરબી જિલ્લામાં બાળમજૂરીની પ્રથાને અટકાવવા અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા ઓક્ટોબર-2026 દરમિયાન વિવિધ સ્થળોએ ઓચિંતી તપાસ હાથ ધરી બાળમજૂરી કરાવતી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મોરબીના પીપળી રોડ પર આવેલી એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના વેરહાઉસમાંથી ચાર તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં હોટલ, ઢાબા, વેરહાઉસ, ઔદ્યોગિક એકમો સહિતના વિવિધ વ્યવસાયિક સ્થળોએ બાળમજૂરીની પ્રથા અટકાવવા માટે જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ઓક્ટોબર માસ દરમિયાન વહીવટી તંત્રની ટીમોએ વિવિધ સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પીપળી રોડ પર આવેલા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના વેરહાઉસ ખાતે ઓચિંતી રેઇડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અહીં ચાર તરુણ શ્રમયોગીઓ કામ કરતા મળી આવતાં તેમને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. સાથે જ સંસ્થા સામે બાળમજૂરી સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત દંડાત્મક અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી જિલ્લામાં બાળમજૂરી કરાવતી સંસ્થાઓ સામે વહીવટી તંત્રની સક્રિયતા જોવા મળી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ હોટલ, ઢાબા, દુકાનો, વેરહાઉસ અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેમની સંસ્થામાં કોઈપણ બાળક કે તરુણને કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ કામે રાખવામાં ન આવે. બાળમજૂરી કરાવવી એ કાયદાકીય ગુનો હોવાથી નિયમોનો ભંગ કરનાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઓચિંતી તપાસ અને બાળમજૂરી વિરોધી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. નાગરિકો પણ આ સામાજિક સમસ્યાને અટકાવવામાં સહભાગી બને અને ક્યાંય બાળમજૂરી થતી જોવા મળે તો તાત્કાલિક મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098 પર જાણ કરે તેવી અપીલ કરવામાં આવી છે.