Thursday - Nov 19, 2026

મોરબીના મચ્છુ-3 ડેમની તળાવ લીંકિંગ યોજના હેઠળનાં ગામોના તળાવોમાં પાણી ભરવાની માંગ

મોરબીના મચ્છુ-3 ડેમની તળાવ લીંકિંગ યોજના હેઠળનાં ગામોના તળાવોમાં પાણી ભરવાની માંગ

મોરબી : મોરબીના મચ્છુ-3 ડેમની કેનાલ લીંકિંગ યોજના હેઠળ સમાવિષ્ટ ગામોનાં તળાવો હાલ પાણી વિના સુકાઈ રહ્યા હોવાથી ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે. ત્યારે આ ગામોનાં તળાવોમાં તાત્કાલિક ધોરણે પાણી ભરવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા નયનભાઈ અઘારાએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મચ્છુ-3 ડેમની કેનાલ લીંકિંગ યોજના અંતર્ગત સમાવિષ્ટ મોટી બરાર, નાની બરાર, જસાપર, દેવગઢ અને જાંજસર સહિતનાં ગામોનાં તળાવો હાલ પાણી વિના સુકાઈ રહ્યાં છે. જેના કારણે પશુઓ માટે પીવાના પાણીની અછત ઊભી થઈ છે અને ખેડૂતોને સિંચાઈ માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ઉપરોક્ત ગામોનાં તળાવોમાં તાત્કાલિક ધોરણે પાણી છોડીને ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. આગામી 8 દિવસમાં તળાવોમાં પાણી ભરવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામજનોને સાથે રાખીને જનઆંદોલન કરવાની ફરજ પડશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ મામલે તંત્ર અને સિંચાઈ વિભાગે ગંભીરતા સમજી યોગ્ય નિર્ણય લઈ ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોને પડતી પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.