મોરબી : મોરબી શહેરમાં મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીનો કોન્ટ્રાક્ટ સંભાળતી શ્રીજી એજન્સી દ્વારા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામે રાખવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. મહાપાલિકાના કચરા કલેક્શન વાહનમાં બાળ શ્રમિક કામ કરતો હોવાનું ધ્યાને આવતા જિલ્લા શ્રમ અધિકારી દ્વારા એજન્સીના માલિક સામે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોત્તમભાઈ જોશી દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં મોરબી મહાનગરપાલિકાની વેસ્ટ કલેક્શનની ડોર ટુ ડોર કામગીરીનો કોન્ટ્રાક્ટ ધરાવતી શ્રીજી એજન્સીના માલિક રમેશચંદ્ર ખીમાભાઈ જોરા (રહે. 302, સિદ્ધિ વિનાયક ટાવર, ડીસીપી ઓફિસ પાછળ, એસ.જી. હાઇવે, મકબરા, અમદાવાદ) સામે નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ડી-માર્ટ પાસે આવેલી ઢોસાની દુકાન નજીકથી મહાનગરપાલિકાનું કચરા કલેક્શનનું વાહન પસાર થઈ રહ્યું હતું. આ વાહનમાં 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકને કામે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. કચરા કલેક્શન જેવી કામગીરીમાં સગીર વયના બાળકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવતા શ્રમ વિભાગ દ્વારા આ મામલે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે જિલ્લા શ્રમ અધિકારી મિતેશકુમાર જોશીએ શ્રીજી એજન્સીના માલિક રમેશચંદ્ર ખીમાભાઈ જોરા સામે બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986ની જોગવાઈઓ હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શ્રમ અધિકારીની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે એજન્સીના માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહાનગરપાલિકાની કચરા કલેક્શનની કામગીરીમાં બાળ શ્રમિકનો ઉપયોગ થતો હોવાનો મામલો સામે આવતા શહેરમાં ચર્ચા જાગી છે.