Wednesday - Nov 18, 2026

અપૂરતા વરસાદથી મોરબી જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી

અપૂરતા વરસાદથી મોરબી જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી

જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન પાઠવી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સાથે રાહત પેકેજની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા અછતગરત જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આથી અનિયમિત વરસાદથી સમગ્ર જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું જણાવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મોરબી જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને અસરગ્રસ્ત ખેડૂતો તથા પશુપાલકો માટે રાહતનાં પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના નયનભાઈ એચ. આધારા દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વરસાદના અભાવે મોરબી જિલ્લાના ખેડૂતો અને માલધારીઓની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ઓછા વરસાદને કારણે ચોમાસુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતાં ખેડૂતોને બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલા ખર્ચનું ભારણ સહન કરવું પડી રહ્યું છે. ખેતીની આવક ન થતાં ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત મોરબી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની ભારે અછત સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ભૂગર્ભ જળસ્તર પણ ખૂબ નીચાં ઊતરી ગયાં હોવાથી પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. બીજી તરફ વરસાદના અભાવે માલધારીઓ અને ખેડૂતો માટે પશુધનને જીવાડવું મુશ્કેલ બન્યું છે. લીલા અને સૂકા ઘાસચારાની તીવ્ર અછત સર્જાતાં પશુપાલન વ્યવસાય સામે પણ સંકટ ઊભું થયું છે.

ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ

પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની આવક અટકી જતાં બેંકો અને સહકારી મંડળીઓનાં દેવાનો બોજ વધી રહ્યો છે. ગ્રામ્ય અર્થતંત્ર પણ ભાંગી પડવાની સ્થિતિમાં હોવાનું આવેદનમાં જણાવાયું છે. ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવા તાત્કાલિક સહાયની જરૂરિયાત હોવાનું કોંગ્રેસ સમિતિએ રજૂ કર્યું છે.

રાહત માટે ચાર મુખ્ય માંગણીઓ

મોરબી જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનો ત્વરિત સર્વે કરી યોગ્ય પાક વળતર તથા સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોના કૃષિ ધિરાણ અને લોન માફ કરવામાં આવે તેમજ પશુધનને બચાવવા દરેક તાલુકા મથકે ઘાસચારા ડેપો શરૂ કરવામાં આવે અથવા સબસિડીના દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.આવેદનપત્રના અંતે મોરબી જિલ્લાના ખેડૂતો અને જનતાની ગંભીર પરિસ્થિતિને સમજી રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરી જિલ્લાને વહેલી તકે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને રાહતકાર્યો શરૂ કરવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.