વી.સી. ફાટકથી ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક અને સ્થાનિક પોલીસની સંયુક્ત સ્પેશિયલ ડ્રાઇવમાં રૂ. 11 હજારથી વધુનો દંડ
મોરબી : શહેરમાં મોડિફાઇડ સાયલેન્સર લગાવી બાઇક ચલાવી રાત્રિના સમયે ઘોંઘાટ ફેલાવતા વાહનચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે ટ્રાફિક શાખા અને સ્થાનિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ ચેકિંગ હાથ ધરી મોડિફાઇડ સાયલેન્સરવાળા 15 બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા, જ્યારે રૂ.11 હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શહેરમાં મોડિફાઇડ સાયલેન્સરવાળા ટુ-વ્હીલરથી થતા ઘોંઘાટ અને લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં વી.સી. ફાટક, નટરાજ ફાટક, શક્તિ ચોક, ત્રાજપર ચોકડી, માળિયા ફાટક, ગોલા બજાર, નવું બસ સ્ટેશન અને ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ દરમિયાન મોડિફાઇડ સાયલેન્સર લગાવેલા 15 જેટલા બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વાહનચાલકો પાસેથી રૂ.11 હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સંયુક્ત કામગીરી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ઘેલાની ટીમ, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સ્પેશિયલ ડ્રાઇવમાં પીએસઆઇ ડી.બી. ઠક્કર, એન.ઓ. અબડા, જમાદાર સુરેશભાઈ, મહેન્દ્રભાઈ તેમજ કોન્સ્ટેબલ દેવાયતભાઈ, કુલદીપસિંહ અને જયેશભાઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.