લિટલ જીનીયસ હોબી સેન્ટરના કલાકારોએ સંગીત અને નૃત્ય ક્ષેત્રે પ્રતિભા દર્શાવી મોરબીનું નામ રોશન કર્યું
મોરબી : અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ અને યુનેસ્કોના સંયુક્ત ઉપક્રમે 12થી 16 નવેમ્બર દરમિયાન અંદમાન ખાતે યોજાયેલી કલ્ચરલ ઓલિમ્પિયાડમાં મોરબીના લિટલ જીનીયસ હોબી સેન્ટરના કલાકારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિદ્ધિ મેળવી છે. સંગીત અને નૃત્યની વિવિધ સ્પર્ધાઓમાં મોરબીના કલાકારોએ કુલ 9 મેડલ જીતીને પોતાની કલાત્મક પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સ્પર્ધામાં સંગીત ક્ષેત્રે ડો. મેહુલ શેઠે ગોલ્ડ મેડલ ઉપરાંત ગ્લોબલ લાઇમ સ્ટાર એવોર્ડ અને મોમેન્ટો ઓફ ઓનર મેળવ્યા હતા. જ્યારે નૃત્ય ક્ષેત્રે ગોરિયાએ ગોલ્ડ મેડલ સાથે ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
અન્ય સ્પર્ધકોમાં સંગીત વિભાગમાં હર્મન શેઠ અને જેનિસ દલસાણિયાએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. નૃત્ય વિભાગમાં હિત્વા/આરાધ્યા તથા યશસ્વી પાચોટિયાએ સિલ્વર મેડલ જીતી સફળતા મેળવી હતી. જ્યારે સંગીતમાં અજય રાજપૂતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. નૃત્ય વિભાગમાં કિઆરા બાલધા અને યસ્વી પરમારે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. આમ, અંદમાન ખાતે યોજાયેલી કલ્ચરલ ઓલિમ્પિયાડમાં લિટલ જીનીયસ હોબી સેન્ટરના કલાકારોએ વિવિધ પુરસ્કારો મેળવી મોરબીની કલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવ અપાવ્યું છે. તેમની આ સફળતાને પગલે કલા ક્ષેત્રે જોડાયેલા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.