ટીંબડી પાટિયા પાસે ડમ્પરની અડફેટે પિતા-પુત્રના મોત બાદ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઈ; નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ચેકિંગ
મોરબી : મોરબીના નેશનલ હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર નંબર પ્લેટ વગરના અને બેફામ ગતિએ દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં ટીંબડી ગામના પાટિયા પાસે નંબર પ્લેટ વગરના ડમ્પરની અડફેટે બાઈક સવાર પિતા-પુત્રનાં મોતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં છે.
ગત મંગળવારે બપોરે ટીંબડી ગામના પાટિયા પાસે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં છ વર્ષના બાળક અને તેના પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સૂચનાથી જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી. ઘેલા અને તેમની ટીમ દ્વારા વિવિધ માર્ગો પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ડ્રાઇવ દરમિયાન નેશનલ હાઈવે સહિતના માર્ગો પર આગળ કે પાછળ નંબર પ્લેટ ન ધરાવતા ડમ્પર અને અન્ય ભારે વાહનો, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનો તેમજ ઓવરલોડ માલસામાન ભરીને પસાર થતા વાહનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. બે દિવસની કામગીરી દરમિયાન કુલ 41 વાહનો ડિટેઇન કરી નિયમભંગ કરતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવી સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તેમ ટ્રાફિક શાખાના અધિકારીએ જણાવ્યું છે.