Thursday - Nov 19, 2026

મોરબીના નેહરુ ગેઇટ ચોકના મહિલા શૌચાલયની હાલત સુધારવા સામાજિક કાર્યકરોની રજૂઆત

મોરબીના નેહરુ ગેઇટ ચોકના મહિલા શૌચાલયની હાલત સુધારવા સામાજિક કાર્યકરોની રજૂઆત

કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રિનોવેશન, દરવાજો પહોળો કરવા અને નિયમિત સફાઈની માંગ

મોરબી : મોરબી શહેરના નેહરુ ગેઇટ ચોકમાં આવેલા જાહેર મહિલા શૌચાલયની અસુવિધા અને બિસ્માર હાલતનો પ્રશ્ન સામે આવ્યો છે. શૌચાલયનો દરવાજો અત્યંત સાંકડો હોવાના કારણે મહિલાઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવા સહિતની સમસ્યાઓ અંગે સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

શહેરના સામાજિક કાર્યકરો રાજુભાઈ વી. દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણીયા અને દેવેશ મેરૂભાઈ રાણેવાડિયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે એક તરફ મહિલા દિવસ સહિતના પ્રસંગોએ મહિલાઓના સન્માન અને સુવિધાઓની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય જાહેર સ્થળ નેહરુ ગેઇટ ચોકમાં આવેલા મહિલા શૌચાલયમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં શૌચાલયમાં પ્રવેશવા માટેનો દરવાજો અત્યંત સાંકડો રાખવામાં આવ્યો હોવાથી મહિલાઓને અંદર જવા અને બહાર આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રજૂઆતમાં એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જો મહાનગરપાલિકાના અધિકારીઓની કચેરીઓમાં સારી સુવિધાવાળા શૌચાલયો ઉપલબ્ધ હોય તો જાહેર સ્થળે મહિલાઓ માટે પણ યોગ્ય સુવિધા કેમ ન હોવી જોઈએ? જાહેર શૌચાલયનો ઉપયોગ કરતી મહિલાઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની જવાબદારી તંત્રની છે.

સામાજિક કાર્યકરોએ શૌચાલયના પ્રવેશદ્વારને પહોળો કરવા, નિયમિત સાફ-સફાઈની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ સમગ્ર શૌચાલયનું તાત્કાલિક રિનોવેશન કરવાની માંગ કરી છે. આ અંગે અગાઉ પણ કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયરની રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું જણાવી હવે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. નેહરુ ગેઇટ જેવા જાહેર સ્થળે મહિલાઓને પડતી અસુવિધા દૂર કરવા મહાનગરપાલિકા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.