Sunday - May 24, 2026

મોરબીના ગૌશાળા હેડવર્કસમાં રીનોવેશન અને લાઈન શીફટીંગની કામગીરીને પગલે આજથી બે દિવસનો પાણીકાપ

મોરબીના ગૌશાળા હેડવર્કસમાં રીનોવેશન અને લાઈન શીફટીંગની કામગીરીને પગલે આજથી બે દિવસનો પાણીકાપ

ગૌશાળા હેડવર્કસ હેઠળના તમામ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે

મોરબી :  મોરબીમાં હાલ 44 ડિગ્રી જેટલી આગઝરતી ગરમીને કારણે જનજીવન અગનભઠ્ઠી શેકાય રહ્યું હોવાની વચ્ચે શહેરની લીલાપર ગૌશાળા હેડવર્કસ હેઠળના તમામ વિસ્તારોને બે દિવસ પાણી વગર રહેવું પડે તેવી નોબત આવી છે. જેમાં મનપાના વોટર વર્કસ વિભાગે ગૌશાળા હેડવર્કસ ખાતે 43 MLD હેડવર્કસના રીનોવેશન અને લાઈન શીફટીંગની કામગીરીને કારણે આજે રવિવારે અને આવતીકાલે સોમવારે એમ બે દિવસનો પાણીકાપ જાહેર કરી દીધો છે. તેથી ગૌશાળા હેડવર્કસ હેઠળના તમામ વિસ્તારોમાં બે દિવસ સુધી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે.

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા લીલાપર ગૌશાળા હેડવર્કસ ખાતે 43 MLD હેડવર્કસના રીનોવેશનની કામગીરી તેમજ લાઈન શીફટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે આજે તારીખ 24/ 5/2026 અને આવતીકાલે તારીખ 25/5/2026 એમ કુલ 2 દિવસ સુધી મનપાના વોટર વર્કર્સ વિભાગે અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં આ કામગીરીને પગલે સુરજ બાગ, દરબાર ગઢ, રણછોડ નગર, દાણાપીઠ, સામા કાંઠે, કેસર બાગ અને પંચાસર રોડ વગેરે હેડવર્કસથી વિતરણ થતા તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. આથી સંબંધિત વિસ્તારોના તમામ નાગરિકોને પાણીનો જરૂરી જથ્થો સંગ્રહ કરી રાખવા મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના ડેપ્યુટી ઈજનેરે જણાવ્યું છે.