કેરળની શિક્ષકની અસ્મિતા જળવાય રહે એ રીતે તેમને પુનઃ પ્રતિષ્ઠિત કરવાંની માંગ સાથે શૈક્ષીક મહાસઘનું કલેકટરને આવેદન
મોરબી : કેરળના કાસરગોડ જિલ્લાના કુંબલા સબ-ડિસ્ટ્રિક્ટમાં યોજાયેલી શાળાકીય સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝમાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર અંગે પ્રશ્ન પૂછાયા બાદ શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે મોરબીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના આહ્વાન હેઠળ મોરબી સહિત રાજ્યના તમામ જિલ્લા મથકો ખાતે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રજૂઆતમાં જણાવાયું હતું કે વીર સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના મહત્વપૂર્ણ ઐતિહાસિક વ્યક્તિત્વ છે. તેમનું ક્રાંતિકારી જીવન, બ્રિટિશ શાસન દરમિયાન થયેલી સજા અને અંદમાનની સેલ્યુલર જેલમાં કારાવાસ જેવા પ્રસંગો ઇતિહાસના અભ્યાસનો ભાગ છે. કોઈ ઐતિહાસિક વ્યક્તિત્વના વિચારો સાથે સહમત કે અસહમત થઈ શકાય, પરંતુ તેમના વિશે પ્રશ્ન પૂછવો પોતે અપરાધ કે શિસ્તભંગ ગણાવી શકાય નહીં.
સ્વાતંત્ર્ય આંદોલનને કોઈ એક પક્ષ કે વિચારધારાની મર્યાદામાં ન જોતા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સરદાર પટેલ, લોકમાન્ય તિલક, શ્રી અરવિંદ, સાવરકર સહિત વિવિધ રાષ્ટ્રભક્તોના યોગદાનના સંદર્ભમાં ઇતિહાસનો અભ્યાસ કરાવવો જરૂરી હોવાનું જણાવાયું હતું.
રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે સંબંધિત પ્રશ્નાવલી ઉપજિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ અને મંજૂરી બાદ શાળાઓમાં મોકલવામાં આવી હતી. જેથી પ્રશ્નમાં કોઈ ભૂલ હોય તો માત્ર પ્રશ્ન તૈયાર કરનાર શિક્ષકને જવાબદાર ઠેરવવાને બદલે પ્રશ્ન તૈયાર કરવાની, તેના સ્ત્રોતની ચકાસણી તથા મંજૂરીની સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તપાસ પૂર્ણ થયા પહેલાં સસ્પેન્શન જેવી કાર્યવાહીથી શિક્ષક સમુદાયમાં ભય અને આત્મસેન્સરશિપનું વાતાવરણ ઊભું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રશ્ન કરવા, તર્ક કરવા, પુરાવાની તપાસ કરવા અને અલગ-અલગ ઐતિહાસિક દૃષ્ટિકોણ સમજવા માટે સક્ષમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. ઐતિહાસિક વ્યક્તિત્વોના અભ્યાસને રાજકીય દબાણથી મુક્ત રાખવા તેમજ તથ્યો, પુરાવા અને ઐતિહાસિક સંદર્ભના આધારે અભ્યાસ કરાવવાની વાત પણ આવેદનમાં કરવામાં આવી હતી.
રજૂઆતમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે સ્વતંત્ર ભારતમાં વિવિધ સરકારો દ્વારા સાવરકરને ઐતિહાસિક વ્યક્તિત્વ તરીકે સન્માન આપવામાં આવ્યું છે. પોર્ટ બ્લેરના હવાઈમથકનું નામ વીર સાવરકરના નામ પરથી રાખવામાં આવ્યું છે, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી તેમજ સંસદ ભવનમાં તેમનું ચિત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં શાળાકીય ક્વિઝમાં સાવરકર અંગે પ્રશ્ન પૂછવાને ગંભીર શૈક્ષણિક અપરાધ ગણાવવાની કાર્યવાહી અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.
આ ઘટનાના વિરોધમાં શિક્ષક ગુરુ પ્રસાદનું સસ્પેન્શન પરત ખેંચી તેમને સેવામાં પુનઃસ્થાપિત કરવા, સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ શિક્ષકોની શૈક્ષણિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા ગૌરવનું રક્ષણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને અપાયેલું આવેદનપત્ર દેશના વડાપ્રધાન, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને કેરળના રાજ્યપાલ સુધી પહોંચાડવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.