Monday - Aug 17, 2026

મોરબીમાં 22મીએ સાહિત્યને સમૃદ્ધ બનાવવા કવિ સંમેલન અને કાવ્યલેખન પ્રતિયોગીતા

મોરબીમાં 22મીએ સાહિત્યને સમૃદ્ધ બનાવવા કવિ સંમેલન અને કાવ્યલેખન પ્રતિયોગીતા

નિપુણ સાહિત્યકારો ઉપરાંત ઉભરતી પ્રતિભાઓને મળશે સર્જનાત્મકતાની અભિવ્યક્તિ માટે મંચ, શ્રેષ્ઠ ત્રણ રચનાકારોનું સન્માન કરાશે

મોરબી : મોરબીમાં સાહિત્ય અને કલાના વારસાને વધુ સમૃદ્ધ બનાવવા તેમજ સ્થાનિક નિપુણ કવિઓ અને ઉભરતી પ્રતિભાઓને પોતાની મૌલિક સર્જનાત્મકતા રજૂ કરવા માટે મંચ મળે તે હેતુથી મોરબીમાં આગામી 22 ઓગસ્ટના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ સાહિત્યિક કાર્યક્રમ સાથે કાવ્યલેખન સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે.

કાવ્યલેખન સ્પર્ધામાં મોરબીના તમામ સાહિત્યપ્રેમી નાગરિકો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેનારોએ પોતાની સ્વરચિત અને મૌલિક કવિતા જ રજૂ કરવાની રહેશે. અન્ય કોઈની રચનાની નકલ કરેલી કૃતિ સ્વીકારવામાં આવશે નહીં. સ્પર્ધકોને પોતાની કવિતા 21 ઓગસ્ટ 2026 સુધીમાં આયોજકો દ્વારા જાહેર કરવામાં આવેલી ગૂગલ લિંક (Google Form) મારફતે ઓનલાઈન મોકલવાની રહેશે.

મોરબીમાં 22મીએ સાહિત્યને સમૃદ્ધ બનાવવા કવિ સંમેલન અને કાવ્યલેખન પ્રતિયોગીતા

સ્પર્ધા માટે પ્રાપ્ત થનારી તમામ કૃતિઓનું નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. તેમાંથી શ્રેષ્ઠ ત્રણ રચનાઓની પસંદગી કરી પ્રથમ ત્રણ વિજેતાઓને 22 ઓગસ્ટે યોજાનારા કવિ સંમેલનના કાર્યક્રમ સ્થળે સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત વિજેતાઓને પોતાની રચનાનું સ્ટેજ પરથી કાવ્યપઠન કરવાની તક પણ આપવામાં આવશે.

કવિ સંમેલન દ્વારા મોરબીના સાહિત્યરસિકો, સર્જનાત્મક પ્રતિભાઓ અને ઉભરતા કવિઓને પોતાની રચનાત્મક અભિવ્યક્તિ માટે મંચ મળે તેવો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી સાહિત્યપ્રેમીઓ તથા કાવ્યસર્જનમાં રસ ધરાવતા તમામ લોકોને કાવ્યલેખન સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા તેમજ 22 ઓગસ્ટના કવિ સંમેલનમાં ઉપસ્થિત રહી અદભુત કાવ્ય રચનાઓની મનભરીને મોજ માણવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.