ગ્રામ્ય અને અન્ય નગરપાલિકા વિસ્તારોમાં રજાના હુકમ છતાં મોરબીના શિક્ષકો બાકી : શૈક્ષિક મહાસંઘે સરકારના ઠરાવો રજૂ કરી તાત્કાલિક રજા મંજૂર કરવા માંગ કરી
મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વેકેશન તેમજ જાહેર રજાના દિવસોમાં ડોર-ટુ-ડોર ફરી 700 જેટલા શિક્ષકોએ વસ્તી ગણતરીની કામગીરી કરી હતી. આ શિક્ષકોને નિયમ મુજબ મળવાપાત્ર વળતર અને પ્રાપ્ત રજાનો લાભ હજુ મળ્યો નથી. તેથી મોરબી શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ મ્યુનિસિપલના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી કમિશનર સંજયભાઈ સોની સહિતના અધિકારીઓને મળી 700 જેટલા શિક્ષકોને મળવાપાત્ર વળતર અને પ્રાપ્ત રજાનો લાભ આપવાની વિગતવાર રજૂઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ તથા મુલકી સેવા નિયમ-૯ની જોગવાઈ મુજબ શિક્ષકોને વેકેશન દરમિયાન તેમજ જાહેર રજાના દિવસે વસ્તી ગણતરી અને મતદારયાદી સહિતની કામગીરી સોંપવામાં આવે ત્યારે તેના બદલામાં વળતર અથવા પ્રાપ્ત રજા મળવાપાત્ર હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો તેમજ અન્ય નગરપાલિકા વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી કરનારા શિક્ષકો માટે વળતર અને પ્રાપ્ત રજાના હુકમ થઈ ગયા છે. જોકે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વિશાળ વિસ્તારમાં વસ્તી ગણતરીની કામગીરી કરનારા આશરે 700 શિક્ષકોને હજુ સુધી મળવાપાત્ર રજાનો હુકમ કરવામાં આવ્યો નથી. શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ સરકારના વખતોવખતના ઠરાવો, પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ રજૂ કરી શિક્ષકો દ્વારા વેકેશન અને જાહેર રજાના દિવસોમાં કરવામાં આવેલી કામગીરીને ધ્યાને લઈ નિયમ મુજબ વળતર તથા પ્રાપ્ત રજા મંજૂર કરવા માંગ કરી છે.