Sunday - May 24, 2026

મોરબીના ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણી ભરાશે તો હવે માલિકોની ખેર નહિ રહે

મોરબીના ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણી ભરાશે તો હવે માલિકોની ખેર નહિ રહે

જાહેર આરોગ્યના હિતમાં મનપાએ પ્લોટ ધારકોને સ્વખર્ચે પ્લોટનું લેવલિંગ કરવાનો આદેશ આપી નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો

મોરબી : મોરબીમાં નગરપાલિકાના શાસન વખતે બધું જ રામરાજ્ય જેવું હોવાથી કોઈને પણ કડક અનુશાસનનું સહેજે પણ ભાન ન હતું. ત્યારે મનપા આવતા તમામ અનુશાસનને કડક રીતે લાગુ કરી દીધા છે. ત્યારે શહેરમાં વર્ષોથી ખાસ તો ચોમાસામાં પાણી ભરવાની એટલી ગંભીર સમસ્યા સર્જાય છે કે સામાન્ય વરસાદમાં પણ લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. તેમાં ખાસ કરી શહેરમાં ઠેક ઠેકાણે આવેલા ખુલ્લા ખાનગી પ્લોટમાં ચોમાસામાં વરસાદી પાણી દિવસો સુધી ભરાય રહેતા હોવાથી મચ્છરોના ભયંકર ઉપદ્રવ થવાથી જાહેર હિતના આરોગ્ય માટે આ ગંભીર બાબત જોખમકારક હોવા છતાં વર્ષો સુધી નગરપાલિકાએ ખાનગી પ્લોટ માલિકોની મનમાની ચલાવી હોય એમ એની સામે કોઈ એક્શન લીધા ન હતા. પણ હવે મોરબી મહાપાલિકા લોકોના આરોગ્યના હિતમાં આવી કોઈ લાપરવાહી ચલાવી લેવા તૈયાર ન હોય તેમ મનપાએ શહેરમાં રોગચાળો ન ફેલાય અને જન આરોગ્ય જળવાઈ રહે તે માટે ખાનગી પ્લોટના માલિકોને કડક સૂચના આપી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી ખુલ્લા પ્લોટોમાં લાંબા સમય સુધી ચોમાસાના વરસાદી ભરાવવાને કારણે ત્યાં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ થવાથી ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા જીવલેણ રોગો ફેલાવવાનો ભય રહેતો હોવાથી તમામ ખાનગી પ્લોટ ધારકો પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે પોતાની જાતે (સ્વેચ્છાએ) અને પોતાના ખર્ચે યોગ્ય લેવલિંગ (પુરાણ) કરાવી લેવાનું રહેશે અથવા ચોમાસા પહેલના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની  તાકીદ કરી છે. આમ છતાં જો કોઈ પણ ખાનગી પ્લોટમાં પાણી ભરાવાના કારણે મચ્છરોની ઉત્પત્તિ અથવા ગંદકી માલૂમ પડશે, તો સંબંધિત પ્લોટ ધારક સામે દંડાત્મક અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે .તેવી મનપાએ ચેતવણી આપી છે.

મનપાને કોણ ફરજનું ભાન કરાવશે ?

મનપા વર્ષો પછી નીતિ નિયમોને લાગુ કરી તેનું કડકપણે પાલન કરાવી રહ્યું છે. તે શહેરના હિત માટે જરૂરી છે. પણ સામાન્ય જનતા સામે નિયમભંગ બદલ લાલ આંખ કરતું મનપાએ ખુદે જ બનાવેલા નિયમનું પાલન ન કરે તો દિવા તળે અંધારું જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં શહેરમાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરવાની ગંભીર સમસ્યા છે. આથી ચોમાસા અગાઉ તંત્ર પ્રિમોન્સૂન એટલે તમામ વોકળાની યોગ્ય સફાઈ કરે તો જ ચોમાસામાં પાણી ન ભરાઈ. પણ હકીકતમાં દરેક વખતે ચોમાસામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હોવાથી તંત્રની પ્રિમોન્સૂન કામગીરી હાસ્યાસ્પદ ઠરે છે. વર્ષોથી નગરપાલિકા બેદરકારી રાખતું હોય પણ ગયા વખતે  તો મનપા હોવા છતાં ઠેરઠેર પાણી ભરવાના કારણે લોકોને રસ્તા ઉતરવું પડ્યું હતું. શહેરમાં વિકાસની આડમાં દબાણો હેઠળ વોકળા દબાઈ ગયા હોવાથી આ દબાણો મોટા માથાના હોય એટલે દબાણો દૂર ન થતા પ્રિમોન્સૂન કામગીરી પણ થતી નથી. ત્યારે આરોગ્યના હિતમાં પ્લોટ ધારકોને જવાબદારીનું ભાન કરાવવા મનપાએ એક્શન લીધા હોય પણ તેની પ્રિમોન્સૂન કામગીરીમાં બેદરકારીની જવાબદારીનું કોણ ભાન કરાવશે.