સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્કના કામનું ખાતમુહૂર્ત થતા 1.5 વર્ષથી અટકેલું કામ અંતે શરૂ થશે
મોરબી : મોરબી મહાનગરપાલિકાના હદવિસ્તારમાં આવતા મહેન્દ્રનગરની સારસ્વત સોસાયટીમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 3 માં આવતા આ વિસ્તારના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર જિગ્નેશભાઈ કૈલા, ભુપતભાઈ જારિયા, અર્પિતાબા જાડેજા, રમાબેન બોપલિયા અને પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ ઉપસ્થિત રહ્યા હતા.
આ કામ અગાઉ જિલ્લા પંચાયત વખતે મંજૂર થઈ ગયું હતું અને પાઈપ પણ આવી ગયા હતા. પરંતુ કોર્પોરેશન આવતા ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતના જૂના કામો રદ થયા હતા, જેના કારણે આ કામ 1.5 વર્ષ જેટલું મોડું થયું હતું. હવે કોર્પોરેશન દ્વારા આ કામ ફરીથી શરૂ કરાવવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના આદેશ મુજબ આ કામનું ટેન્ડર TAPAN INFRASTRUCTURE.CO ને સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સ્થાનિકોનો પાણીના નિકાલનો જૂનો પ્રશ્ન હલ થશે. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાવાની જે સમસ્યા થતી હતી તેનો હવે કાયમી અંત આવશે.